બાંગ્લાદેશ હિંસાની ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને થઈ સીધી અસર: બોર્ડર પર વેપારીઓનો કરોડોનો માલ અટવાયો

Gujarat Textile Industry: બાંગ્લાદેશમાં ઊભી થયેલી સ્થિતિને પગલે ગુજરાત સહિત અમદાવાદના અમદાવાદના કેમિકલ, ટેક્સટાઈલ અને મરી-મસાલા ઉદ્યોગને અસર થઈ છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો કેમિકલ, ટેક્સટાઈલ ઉદ્યોગના અંદાજે રૂ.3500 કરોડ ફસાયા છે. આ ઉદ્યોગો(Gujarat Textile Industry) સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર કેમિકલમાં રૂ. 2 હજાર કરોડ, ટેક્સટાઇલમાં રૂ. 1500 કરોડ અને મસાલાના રૂ. 35 કરોડના નિકાસ થયેલો માલ બોર્ડર પર અટવાયો છે.

વેપારીઓ મુકાયા ચિંતામાં
કેમિકલ અમદાવાદ રિજ્યનના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અસ્થિરતાને પગલે રૂ. 1500થી 2 હજાર કરોડના પેમેન્ટ અટવાયા છે. ઘણાંના કન્સાઈનમેન્ટ અધવચ્ચે અટકાવી દેવાયા છે. આ અંગે અમે બાંગ્લાદેશના એસોસિએશન સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે, 15 દિવસમાં થાળે પડી જશે.જો કે અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે, અમદાવાદ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કરોડો રૂપિયા અટવાયા છે. ગુજરાતના વેપારીઓનો અંદાજે 3500 કરોડ રૂપિયાનો માલ બોર્ડર પર ફસાયો છે.

સ્થિતિ નહીં સુધરે તો ગારમેન્ટ ઉદ્યોગને ફાયદો થશે
કટોકટી લાંબી ચાલશે તો ભારતને ફાયદો થવાની શક્યતા છે. યુરોપ અને અમેરિકામાં બાંગ્લાદેશમાંથી તૈયાર કપડાની નિકાસ થાય છે. જેથી આ ઓર્ડર ભારતમાં આવે તેવી શકયતા છે. જેનાથી અમદાવાદ, સુરતના ગારમેન્ટ ઉદ્યોગને મોટા ઓર્ડર મળવાની તક રહેલી છે.

ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે બાંગ્લાદેશીઓ
મળતી માહિતી મુજબ, હજારો બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પર આ આશા સાથે ઉભા છે કે ભારત તેમને પ્રવેશની મંજૂરી આપશે. આ લોકોનું કહેવું છે કે જો તેઓ પાછા ફરશે તો હિંસામાં તેમની હત્યા થઈ શકે છે.

પરંતુ આવી ઘૂસણખોરી ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે, તેથી BSFના જવાનો સરહદ પર સઘન ચેકિંગ અને કડક દેખરેખ રાખી રહ્યા છે. આ ઉપરાંત બીએસએફના જવાનો પણ સરહદી ગામડાઓમાં લોકો સાથે બેઠકો કરીને તેમને સરહદ પારથી કોઈને આશ્રય ન આપવા માટે જાગૃત કરી રહ્યા છે. બીએસએફના જવાનોએ પણ ચેક પોસ્ટ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.