પાટિદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી સરકાર સામે અવાજ ઉઠાવશે. ખેડૂતોને ટેકાના ભાવ નહી મળે તો ગુજરાતના ખેડૂતો સાથે હાર્દિક પટેલ આંદોલન કરશે. હાર્દિક પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ગુજરાતના ખેડૂતોને 3-3 વાર પાક નુકશાનનો સામનો કરવો પડ્યો છે.
સરકાર અને ઈન્સ્યોરન્સ કંપનીની જવાબદારી છે કે, પ્રીમિયમ માટે તરત જ રૂપિયા કાપી લેવાય છે, તો પાક વીમો પણ જલ્દી આપે. ખેડૂત સરકાર પાસે જાય તો સરકાર બેંકનું નામ આપે અને બેંક પાસે જાય તો બેંક સરકારનું નામ આપે. આવામાં ખેડૂતો માટે અમે લડીશું. ખેડૂતોની પરિસ્થિતિ સમજવા પ્રયાસ સરકાર કે સરકારમાં બેસેલા મંત્રીઓ નથી કરતા. ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવો જોઈએ.
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર નહોતો કર્યો. તો ભાજપ સામે પણ આરોપ લગાવ્યો છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા. પરંતુ રાધનપુર બેઠક પર ઉમેદવાર બદલ્યા અને ભાજપ સામે નબળો ઉમેદવાર ઊભા રાખ્યા. ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી અને જેમની અલ્પેશ ઠાકોર સામે હાર થઈ હતી.
હાલ તો ખેડૂતો માટે ખુબ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. ખેડૂતોની વેદના સાંભળનાર હાલમાં કોઈ નથી. ખેડૂતોને એક જન આંદોલનની જરૂર છે અને તેમનું નેતૃત્વ કરે એવા એક નેતાની. હાર્દિક પટેલ ખેડૂતોનું નેતૃત્વ કરીને તેમને ન્યાય અપાવા સક્ષમ નેતા દેખાઈ રહ્યા છે.