રંગે ચંગે બાવળિયાને જિતાડેલા અને હવે હરાવવા માટે વિરુદ્ધમાં પ્રચાર નહીં કરે હાર્દિક… જાણો આ પાછળનું કારણ

Published on: 2:51 pm, Fri, 30 November 18

ભાજપ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક પ્રચાર માટે જાણીતા હાર્દિકનો જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર નહીં કરવાનો નિર્ણય આશ્ચર્ય જન્માવે તેવો છે. નગરપાલિકા સહિતની નાની ચૂંટણીઓમાં પણ હાર્દિક સરકાર વિરુદ્ધ પ્રચાર કરતો હોય છે..પણ જસદણની પેટાચૂંટણી જેવી હાઈવોલ્ટેજ ચૂંટણીમાં જ હાર્દિકે પ્રચાર માટે ના પાડતાં અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર નહીં કરવાનાં નિર્ણય અંગે હાર્દિકે કહ્યું કે પાટીદાર સમાજનાં અનેક કાર્યક્રમોનું આયોજન થયેલું હોવાથી તે જસદણમાં પ્રચાર નહીં કરે.

આ અંગે હાર્દિક સાથે ની વાતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં એક ટકો પણ પ્રચાર કરવાનો નથી. મારે સમાજ માટેના અનેક કાર્યક્રમો તૈયાર કરેલા છે. જેના કારણે જસદણની પેટાચૂંટણીમાં પ્રચાર નહીં કરું, પરંતુ ખેડૂતો અને પાટીદાર સમાજને ન્યાય અપાવવા માટેનું આંદોલન ચાલુ રાખીશ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ ભાજપ સરકરાને હરાવવા માટે હાર્દિક પટેલ દ્વારા અનેક રેલીઓ અને સભાઓ કરવામાં આવી હતી. જસદણમાં જંગી રોડ શો કર્યો હતો અને જેનો સીધો ફાયદો જે તે વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા બાવળિયાને મળ્યો હતો. આ નિર્ણયને લીધે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાર્દિક કોઈકને કોઈક અંશે ભાજપને ફાયદો પહોંચે તેવી રીતે આંદોલન ચલાવી રહ્યો છે.

આ પહેલા જ NCP  પ્રમુખ જયંત બોસ્કી પોતાના ઉમેદવાર ઉભા નહિ રાખીને કોંગ્રેસને સમર્થન કરશે તેવી જાહેરાત કરી ચુક્યા છે. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. હાર્દિકના આ નિર્ણયથી ભાજપને ફાયદો થશે કે નુકશાન એતો હવે આવનારો સમય જ બતાવશે.