‘નરાધમ સાધુને ભગાવો – ધર્મને બચાવો’ના સૂત્રોચ્ચાર સાથે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો ઉગ્ર વિરોધ

Vadtal Swaminarayan Mandir: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં પહોંચ્યા છે. મુંબઈ અને સમગ્ર ગુજરાતમાંથી હરિભક્તો વડતાલ પહોંચ્યા છે. જ્યાં બેનર સાથે વિરોધ(Vadtal Swaminarayan Mandir) કરી રહ્યા છે. સાથે જ આવા સ્વામીઓને દૂર કરવામા આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

વડતાલ મંદિરમાં હરીભક્તોનો વિરોધ
આજે સુરત સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા છે અને મંદિરના પરિસરમાં વિવિધ લખાણના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હરિભક્તોની એક જ માંગ છે કે, ગુનામાં સંકળાયેલા સાધુઓ સામે કાયદેસરના પગલા ભરવામાં આવે. તેઓને જેલની સજા થાય અને નિર્દોષને ન્યાય મળે તેવી અમારી માંગ છે.

પ્લેકાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા ફરી
આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરની કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ-સંતો હાજર ન હતા જેથી ત્યાં વહીવટી કર્મચારીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..છેલ્લે હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ધૂન બોલાવી બેનરો અને પ્લેકાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા ફરી મૌન રેલી યોજી હતી. જે બાદ તમામ હરિભક્તો વડતાલથી રવાના થઈ ગયા હતા.

ભગવાનનાં કપડાં પહેરીને શૈતાન પેદા થયા
આ અંગે હરિભક્તોએ જણાવ્યું હતું કે, આ સંપ્રદાયની અંદર દિવસે ને દિવસે લંપટ સાધુઓ વિશે સમાચારો આવે છે. સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો સાધુઓનાં સામે આવી રહ્યાં છે. જમીનો પચાવી પાડે છે, રેપ કરે છે. આવાં આવાં કામો તેઓ કરી રહ્યા છે. ભગવાનનાં કપડાં પહેરીને શૈતાન પેદા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંક રૂપ છે. આવા બધાને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે એક થયા છીએ. કા તો તેઓ સુધરી જાય નહિતર તેઓને કાઢવા જ પડશે. આ લંપટ બાવાઓને સંપ્રદાયમાંથી કાઢો અને કાં સુધારો. મુંબઈ, સુરત. ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, અમરેલી સહિતમાંથી હરિભક્તો આવ્યા છે.

‘અમારે બહાર નીકળવું મુશ્કેલ બન્યુ’
આ મામલે હરિભક્તે કહ્યું કે, અમારે બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહ્યું છે. આવા લંપટોના કારણે લોકો અમારા પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. સાધુ બધી લીલાઓ કરે છે અને ભોગવવાનું હરિભક્તોને. અમે બહાર નીકળ્યે ત્યારે બધા કહે છે કે જુઓ તમારા સ્વામીએ પરચો પૂર્યો.જો ન્યાય નહીં મળે તો અમારે એ પગલા પણ લેવા પડશે.

જાણો પૂરો મામલો
વડોદરાનાં વાડી સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જેપી સ્વામીએ મંદિરે દર્શન માટે આવતા એક પરિવારની સગીર દિકરી સાથે પરિચય વધાર્યો હતો. વર્ષ 2016માં, તેમણે દિકરીને મંદિરના નીચેના રૂમમાં ગિફ્ટ આપવાના બહાને બોલાવી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં, સગીરા પાસે ગંદી ઓનલાઇન માંગણીઓ કરવામાં આવી હતી. તાજેતરમાં, આ સગીરાએ હિંમત એકત્ર કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ, વાડી પોલીસ મથકે જગત પાવનદાસ સ્વામી સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.