કેપ્ટન હરપ્રીત ચંડીએ(Captain Harpreet Chandi) ઈતિહાસ રચી દીધો છે. 32 વર્ષીય બ્રિટિશ શીખ આર્મી ઓફિસર કેપ્ટન હરપ્રીત ચંડી, દક્ષિણ ધ્રુવ (South Pole) પર એકલા મુસાફરી કરનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા બની છે. કેપ્ટન હરપ્રીતે કોઈની પણ મદદ વગર આ ટ્રેક પૂર્ણ કર્યો છે.
કેપ્ટન ચંડીએ લખ્યું કે, આ અભિયાન માત્ર તેમના માટે જ નથી. તે ઈચ્છે છે કે લોકો તેમની મર્યાદા ઓળંગે અને પોતાના પર વિશ્વાસ રાખે. કેપ્ટન ચંડીના શબ્દોમાં, ‘હું ઈચ્છું છું કે તમે કોઈ ના સહારા વગર બધું પ્રાપ્ત કરો. મને ઘણી વખત કહેવામાં આવ્યું છે કે તમે સામાન્ય કામ કરો, પરંતુ આપણે આપણું નસીબ જાતે નક્કી કરી શકીએ છીએ.
મળેલ અહેવાલ મુજબ, કેપ્ટન ચંડીએ સોમવારે પોતાના લાઈવ બ્લોગમાં બધાને આ ખુશખબર આપી. 40 દિવસમાં તેણે સ્લેજ ખેંચીને 1,127 કિમીનું અંતર કાપ્યું હતું. ડૉ. ચંડીએ માઈનસ 40 ડિગ્રી તાપમાન અને 60 માઈલ પ્રતિ કલાકના પવનનો સામનો કરીને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું. કેપ્ટન ચંડીએ 7મી નવેમ્બર, 2021ના રોજ તેમની ઐતિહાસિક યાત્રા શરૂ કરી હતી.
કેપ્ટન ચંડીએ લખ્યું, ‘હું દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગઈ છું, અહીં બરફ પડી રહ્યો છે. હું એક સાથે ઘણી લાગણીઓ અનુભવું છું. ત્રણ વર્ષ પહેલા સુધી મને ધ્રુવીય વિશ્વ વિશે કોઈ જાણકારી નહોતી અને હવે હું વિશ્વાસ કરી શકતી નથી કે હું અહીં પહોંચી ગઈ છું. અહીં પહોંચવું મુશ્કેલ હતું અને જે લોકોએ મને આધાર આપ્યો તે તમામની હું આભારી છું. કેપ્ટન ચંડી તેમની મુસાફરી દરમિયાન બ્લોગ્સ અપલોડ કરતા રહ્યા અને તેમનો ટ્રેકિંગ મેપ પણ શેર કર્યો હતો.
કેપ્ટન હરપ્રીત ચંડી નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડની મેડિકલ રેજિમેન્ટની સભ્ય છે. દક્ષિણ ધ્રુવ પર ટ્રેકિંગ કરતા પહેલા તેણે ફ્રેન્ચ આલ્પ્સમાં(French Alps) ક્રેવાસની(Crevasse) તાલીમ લીધી હતી. તેણે આઇસલેન્ડમાં લેંગજોકુલ ગ્લેશિયર સુધી ટ્રેકિંગ કર્યું છે અને બરફથી ઢંકાયેલ ગ્રીનલેન્ડમાં(Greenland) 27 દિવસ વિતાવ્યા હતા. ભારે કસરત કરીને, તેણે પોતાની જાતને સ્લેજ ખેંચવા માટે તૈયાર કરી. હરપ્રીત ચંડી માત્ર 19 વર્ષની વયે આર્મી રિઝર્વમાં જોડાયા હતા અને 25 વર્ષની ઉંમરે રેગ્યુલર આર્મીના સભ્ય બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.