માથે દેવું કરી પુત્રને કેનેડા મોકલ્યો અને પાછો જ ના આવતા, પાંચ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી માં-બાપનો આપઘાત

Surat News: માતાપિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરતા હોય છે.પરંતુ અમુક કપાતર સંતાનો માતા પિતાને શાંતિથી જીવવા પણ નથી દેતા.ત્યારે તેવો જ એક કિસ્સો સુરતના સરથાણા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં કેનેડા સ્થાઈ થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચુકવતા તેમજ પુત્ર(Surat News) અને તેની પુત્રવધુએ આધેડ માતાપિતા સાથે છેડો ફાડી નાખતા આ આધેડ દંપતીએ સજોડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

કપાતર પુત્રએ કેનેડા જઈને માતાપિતા સાથે છેડો ફાડી નાખ્યો
મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડીયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.આ અંગે મળતી માહિતી મુજબ આ દંપતીનો પુત્ર પિયુષ સુરતમાં રહીને ફાયનાન્સનો બિઝનેસ કરતો હતો.જેમાં તેને 2 વર્ષ પૂર્વે ફાયનાન્સના ધંધામાં નુકશાન થતા 40 લાખનું દેવુ થયુ હતું. ચુનીભાઈએે સંબંધીઓ પાસેથી નાણા લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું હતું.જે બાદ કેનેડા જઈને પુત્રએ મોઢું ફેરવી લીધું હતું અને દેવાની પણ ચુકવણી કરી ન હતી.

પુત્રવધૂએ કડવા વેણ કહેતા જીવનમાંથી રસ ઉતરી ગયો
પિયુષ કેનેડા જઇ ત્યાંજ સ્થાઈ ગયો. જોકે પિતાએ લોકો પાસેથી રૂપિયા લાવીને દેવુ ચૂકવ્યા છતા પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો તેમજ તેમને પુછતો પણ ન હતો.આ સાથે જ ચુનીભાઈ તથા તેમના પત્ની જયારે પીયૂષ સાથે સંપર્ક કરવાની કોશિશ કરે ત્યારે તે સંપર્ક કરવાનું ટાળતો હતો.તેમજ જયારે સુરત આવ્યો તે દરમિયાન પોતાના માતાપિતાને મળવા પણ આવ્યો ન હતો.આ સાથે જ પિયુષની પત્ની ચુનીભાઈ તથા તેમના પત્નીને એલફેલ બોલતી હતી હતી. આ સાથે જ પિયુષની પત્નીએ ચુનીભાઈ તથા મુકતાબેન સાથે કોઈ સબંધ રાખવા માંગતી નથી.તેઓ હરિદ્વાર જઈને રહે અથવા કોઈ આશ્રમમાં જતા રહે તેવું કહેતા ચુનીભાઈ તથા મુકતાબેન ભારે શોકમાં સરી પડ્યા હતા અને તેમને જિંદગીમાંથી જીવવાનો રસ જ ઉતરી ગયો હતો.

દીકરા તથા વહુએ સબંધ પુરા કરી નખતા આપઘાત કર્યો
આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. ચુનીભાઈએ આપઘાત પહેલા ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં કેનેડા સ્થાઈ થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચુકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્ર વધુનો આભાર વ્યકત કર્યો હતો.આ સાથે જ તેમાં લખ્યું હતું કે,પોતાના દીકરા તથા વહુએ મોઢું ફેરવી લીધું છે.હવે જીવવાનો કશો અર્થ નથી.અમે આવી રીતે લાચારીમાં જીવવા નથી માંગતા એટલે હવે મોતને વહાલું કરીએ છીએ.

આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગી આવ્યુ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.