ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: સુરતમાં છેલ્લા 24 કલાકમાં 10ના મોત, જાણો વિગતે

Heatwave in Gujarat: ગુજરાત હાલ અગનભઠ્ઠી બની ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હજી બે દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 13 લોકોના મોત થવાનો આંકડો સામે આવ્યો છે. સુરતમાં 10 લોકોના મોત તો વડોદરામાં 3 લોકોના મોતના સમાચાર(Heatwave in Gujarat) સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2013માં હીટવેવથી 1100 મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.

24 કલાકમાં 10ના મોત થયા
ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ચારથી પાંચ દિવસ હીટવેવથી કોઈ રાહત મળે તેવી શક્યતા જણાતી નથી. તાપમાનના સતત ઊંચે જતા પારાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે સમગ્ર ગુજરાત ભીષણ ગરમીના કારણે રીતસર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. આ વચ્ચે સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરતમાં ગરમીના કારણે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો સારવાર હેઠળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલમાં વધારો
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના 529 ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.

વડોદરામાં 5 દિવસમાં 19 લોકોના મોત
એ જ રીતે વડોદરા વિશે વિગતે વાત કરીએ તો 5 દિવસમાં 19 લોકોના મોત થયા છે. 77 વર્ષના કિશનરાવ દીધે, 39 વર્ષના જગદીશ પટેલ અને 62 વર્ષના કરશન પરમારનું મોત નિપજયું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ બાદ હકીકત જાણી શકાશે.

સુરતની હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો
રાજ્યના આકાશમાંથી જાણે કે અગનવર્ષા થઈ રહી હોવાથી હીટ સ્ટ્રોકના કેસ પણ સતત વધી રહ્યા છે. હીટવેવની ચેતવણીના પગલે સુરતની હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો છે અને દર્દીઓને કઈ રીતે સારવાર આપવી તે અંગે મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ વગેરેને માર્ગદર્શ આપવામાં આવ્યું છે.

સુરતમાં 24 કલાકમાં 10 લોકોના મોત!
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતમાં છેલ્લા 24 કલાકમાં ગભરાણ બાદ અચાનક બેભાન થયા બાદ 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ 10 લોકોમાંથી એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે દુઃખદ અવસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અન્ય મૃતકોના મૃત્યુ પાછળનું કારણ જાણવા સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

12 લોકો સારવાર હેઠળ!
તો બીજી બાજુ શહેરની હોસ્પિટલમાં 12 લોકોને સારવાર અપાઈ રહી છે. સિવિલમાં 8 દર્દીઓ અને સ્મીમેરમાં 4 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સુરત સવાય વડોદરામાં પણ છેલ્લા 7 દિવસમાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.