આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી: જાણો તમારા શહેરમાં કેવું રહેશે વાતાવરણ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી માવઠાના વાદળો ઘેરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ એટલે કે (Gujarat Rain Forecast) 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં માવઠું થઇ શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

આજે 31 માર્ચના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો હળવો કમોસમી વરસાદ થઇ શકે છે.

જાણો કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે
31 માર્ચ: નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા.
1 એપ્રિલ: અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં વરસાદની આગાહી.
2 એપ્રિલ: બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, ખેડા, મહિસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડી શકે.
3 એપ્રિલ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માવઠું ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, ખાસ કરીને જે ખેડૂતો રવી સિઝનની પાક સંભાળવામાં જોતરાયેલા છે, તે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ખેતપ્રદેશમાં પૂરતી સાવચેતી રાખે અને પાકને નુકસાનથી બચાવવાના પગલાં લે. હવામાન વિભાગની સતત અપડેટ મેળવવા અને અનુકૂળ પગલાં ભરવા માટે સૌએ સાવચેતી રાખવાની અનુરોધ કરવામાં આવ્યો છે.

અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે હવામાનમાં ફેરફાર થઈ શકે એવી શક્યતા છે. જેને લીધે ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થઈ શકે છે. આગામી 3 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થઈ શકે છે. આ ઉપરાંત આગામી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી 10 એપ્રિલથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં 43થી 44 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 40થી 42 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 40થી ડિગ્રી થઈ શકે છે. 14 એપ્રિલથી 26 એપ્રિલ સુધી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ આવી શકે છે. જેથી ગરમી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છએ. આમ આગામી 10થી 16 મે સુધી 46 ડિગ્રી ગરમી પડી શકે છે. આ ઉપરાંત આગામી 25 મેથી 5 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વહેલું ચોમાસું પણ શરૂ થઈ શકે છે.