ગુજરાતીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Gujarat Heatwave Forecast: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે (Gujarat Heatwave Forecast) જરૂરિયાત વગર દિવસ દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

હિટવેવની વોર્નિંગ આપવામાં આવી
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, બુધવારે સૌથી ગરમ 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર નોંધાયું હતું. આ સાથે રાજકોટ અને વલ્લભવિદ્યાનગરમાં પણ 42 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આઠ તારીખ સુધી હિટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ સાથે હિટવેવની આગાહી આપવામાં આવી છે. છથી આઠ તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી, જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આગામી દિવસમાં ભારે ગરમી પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે, આગામી દિવસમાં ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 10 એપ્રિલ સુધીમાં મહતમ તાપમાન 43 ડિગ્રી પહોંચી જવાની શકયતા રહેશે. વડોદરાના ભાગો આણંદના ભાગોમાં ગરમી વધુ પડવાની શક્યતાઓ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ડીસા સહિતના ભાગોમાં 41થી 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. કચ્છ રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ પહોંચી જશે.