Heavy RainForecast: ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓએ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.જેમાં સોમવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની(Heavy RainForecast) આગાહી છે.
અતિભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. પરિણામે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે.
26 તારીખની આગાહી
26મી જુલાઈનાં રોજ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ વિશે કોઈ આગાહી કરવામાં આવી નથી.
27 તારીખની આગાહી
27મી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
સિઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 66.13 અને કચ્છના વિસ્તારોમાં 58.40 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારસુધીમાં 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં 24.90 ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો 24 ટકા વરસાદ નોંધાયો છે.
આ જિલ્લામાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. બીજી તરફ, આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.મહત્વનું છે કે,ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે જેના કારણે અતિભારેથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે. આ સાથે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App