ખમૈયા કરો…નવસારી, વલસાડ, સુરતમાં વરસાદી કહેર; જનજીવન થયું ઠપ્પ

Heavy rain in Gujarat: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણીનો ભયાવહ નજારો કેમેરામાં કેદ થયો છે. નદી તળાવમાં પાણી વધતા(Heavy rain in Gujarat) શહેરી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.હાલ પૂર્ણા નદીની સપાટી 24.5 ફૂટ પર પહોંચી છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે.

ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. જીલ્લાનાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ઉમરગામમાં 2 ઈંચ, ધરમપુરમાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 1.69 ઈંચ, પારડીમાં 2.44 ઈંચ , વાપીમાં 2.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લામાં પણ ગતરોજથી વરસાદી માહોલ જામ્યો છે. સુરતના માંગરોળ, માંડવી, ઉમરપાડા પંથકમાં વરસાદ વરસ્યો હતો. તમને જણાવી દઈએ કે માંગરોળમાં બે કલાકમાં 2 ઈંચ, જ્યારે ઉમરપાડામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં માંગરોળમાં 7.7 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભરૂચનાં વાલિયામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાલિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇને વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા હતા. 

બીજી તરફ બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.  બનાસકાંઠાના પાલનપુર, વડગામ તાલુકામાં 2 થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ પાલનપુર-અંબાજી હાઈવે પર વીરપુર પાસે ઘુંટણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.