ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યા; સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં નોંધાયો

Gujarat Heavy Rain: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 60થી વધુ તાલુકામાં વરસાદી(Gujarat Heavy Rain) માહોલ જામ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ કચ્છનાં મુંદ્રામાં નોંધાયો છે.

જ્યારે માંડવી, ખેરાલુ, વેરાવળ, દ્વારકા, ભાભર, પાટણ અને અંજારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સાંતલપુર, દહેગામ, વલ્લભીપુરમાં હળવો વરસાદ નોંધાયો હતો.

જ્યારે હિંમતનગર, ભુજ, તાલાળા અને અબડાસામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ નડીયાદ, ઓલપાડ, જોડિયા અને લખપતમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અરવલ્લીના માલપુરનાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

ગત રોજ બપોર પછીની અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગીર સોમનાથમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. જો કે વેરાવળ, સોમનાથ, ભાલકા, મીઠાપુર, કાજલી, બાદલપરા, સોનારિયા ગામમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે ગામાની ગલીઓમાં પાણી વહેતા થયા હતા.