રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિસ્તારો ભીષણ પૂરનો સામનો કરી રહ્યાં છે. રાજસ્થાનના કોટા, બારા, બુંદી, ઝાલાવાડ અને ધૌલપુરમાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે. રાજ્યમાં પૂરના કારણે 27 લોકોનાં મોત થયાં છે. જેમાં બુંદીમાં 12, કોટામાં 6, બારાંમાં 7 અને ઝાલાવાડમાં 2 વ્યક્તિનાં મોત થયાં છે.
રાજસ્થાનમાં ચોમાસામાં અત્યાર સુધીમાં 80 નાં મોત થયાં છે અને 55 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પૂરના પાણીમાં 125 પશુ તણાઇ જતાં તેમનું મૃત્યુ થયું છે. કોટા જિલ્લામાં લગભગ 13,000 મકાનનો નાશ થયો છે. પૂરના કારણે રાજ્યમાં 4 લાખ હેક્ટર જમીન પરનો પાક ધોવાઇ ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય આપશે તેવી જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશમાં પૂરના કારણે 1250 ગામ પ્રભાવિત થયાં છે અને અત્યાર સુધીમાં 24 લોકોનાં મોત થયાં છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હજુ એનડીઆરએફ, એસડીઆરએફ, એરફોર્સ અને ભારતીય સેનાની ટુકડીઓ રેસ્ક્યુ કરી રહી છે. અત્યાર સુધીમાં 8800 લોકોને બચાવીને સુરક્ષિત સ્થાને ખસેડાયાં છે. હાલ 14,000 લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયાં હતાં અને 7 ઈજાગ્રસ્ત થયા હતા. પૂર્વ મિદનાપુર જિલ્લાના નંદીગ્રામ ખાતે વીજળી પડતાં 2 યુવાનના મોત થતાં હતા. જ્યારે પૂર્વ વર્ધમાન જિલ્લામાં વીજળી પડતા 1 મહિલા સહિત 2 વ્યક્તિનાં મોત થયાં હતાં અને 7 લોકો દાઝી ગયાં હતાં. વીજળી પડી ત્યારે આ તમામ લોકો ખેતરોમાં કામ કરી રહ્યાં હતાં.
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે ભારે વરસાદ થતાં અનેક સડકો જળબંબાકાર બની ગઈ હતી. જેના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રવિવારે પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં પણ ભારે વરસાદ થતાં સડકો પર પાણી ફરી વળ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.