ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાછોતરા વરસાદે ખરીફ પાકોને નુક્સાન પહોંચાડવા ઉપરાંત શાકાભાજીના પાકને પણ માઠી અસર કરી છે. આજ કારણે પહેલાથી જ મોંઘી શાકભાજીના ભાવમાં દોઢ ગણો વધારો જોવા મળી રહ્યો છે. 10-15 દિવસમાં થયેલા વધારાને પગલે ફૂલાવરનો ભાવ 100 રુપિયે કિલો પહોંચ્યો છે, જ્યારે ટામેટા 60-70 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સાથે જ શાકભાજીમાં મોંઘવારીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
આ અંગે શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે, વધારે પડતા વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ક્યારેક ઓછો વરસાદ, તો ક્યારેક વધારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી થવાના કારણે કેટલાક દિવસોથી ભાવોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. જો કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધી વરસેલા વરસાદે શાકભાજીના પાકને નુક્સાન પહોંચાડ્યું છે. આજ કારણે માંગની સરખામણીમાં આવક ઓછી થવાની ભાવોમાં દોઢ ગણો વધારો જોવા મળી રહ્યો છે.
દિવાળી સુધી ભાવ ઘટવાની આશા ઓછી :-
કાલુપુર શાકમાર્કેટમાં વેપારીના જણાવ્યા અનુસાર, વરસાદ પહેલા 40-60 રુપિયા કિલો વેચાઈ રહેલા ફ્લાવર હાલ 80-100 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. આજ પ્રમાણે, ટામેટા ની કિંમત 60-70 રુપિયે કિલો, ડુંગળીનો ભાવ 50-60, રિંગણની કિંમત 55-60 રુપિયા, ભિંડા 40-45, દૂધી 35-40 રૂપિયા, કોબિજ 50-60 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. તેમનું કહેવું છે કે, આ કિંમત શાક માર્કેટના જ છે. શહેરના અન્ય વિસ્તારો અને સોસાયટીઓમાં શાક ખરીદવું વધારે મોંઘુ પડશે. શાક માર્કેટ અને સોસાયટીમાં મળનાર શાકની કિંમતોમાં પ્રતિ કિલો અંદાજે 20-25 રૂપિયાનું અંતર જોવા મળશે. હાલ દિવાળી સુધી ભાવ ઓછા થવાની ખૂબ જ ઓછી આશા છે.