ટામેટાના ભાવ સાંભળીને ગૃહિણીઓ લાલઘૂમ, એક કિલોના ભાવ 100 રૂપિયાને પાર; જાણો અન્ય શાકભાજીના ભાવ

Tomato Price Hike: ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવમાં ઘણો જ વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ભારતના કેટલાક ભાગોમાં ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં ટામેટાની(Tomato Price Hike) કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જો કે આગામી અઠવાડિયા સુધીમાં કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

ટામેટાના ભાવ આસમાને
આ વર્ષે ટામેટાની કિંમતોમાં ઘણો જ ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે, ટૂંક સમયમાં લોકોને રાહત મળી શકે છે, કારણ કે દક્ષિણી રાજ્યોમાંથી ફ્રેશ ટામેટા માર્કેટમાં આવવાના છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર ટામેટાની સરેરાશ કિંમત 58.25 રૂપિયા પ્રતિ કિલો છે.

જો કે ઘણા શહેરોમાં ભાવ 130 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓના મતે તાજેતરમાં ઉનાળાની ગરમીને કારણે ટામેટાના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી છે. જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે. રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તાજેતરની આકરી ગરમીને કારણે ટામેટાંના આગમન પર અસર પડી છે.

ટમેટાનો ભાવ 110 થી 117 રૂપિયા પ્રતિ કિલો
દેશના ઘણા મહાનગરોમાં ટમેટાની કિંમત 58 રૂપિયાથી 148 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જોકે સૌથી મોંઘા ટમેટા કલકત્તામાં 148 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યા છે. આજની તારીખમાં ટમેટાનો સૌથી ઓછો ભાવ મુંબઈમાં છે જે 58 રૂપિયા પ્રતિ કિલો છે. આ સિવાય દિલ્હી અને ચેન્નઈ જેવા શહેરોમાં પણ ટમેટાનો ભાવ 110 થી 117 રૂપિયા પ્રતિ કિલો છે. ગુજરાતમાં પણ ટમેટાના ભાવ સતત વધી રહ્યા છે.

મે મહિનાથી ટામેટાના ભાવમાં સતત વધારો
હકીકતમાં, ટામેટા એક એવું શાકભાજી છે, જે ખૂબ જ ઝડપથી બગડે છે. વરસાદને કારણે તેના વાહનવ્યવહારને અસર થઈ છે. જો કે ટૂંક સમયમાં નવો સપ્લાય શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે ટામેટાના ભાવ નિયંત્રણમાં જોવા મળશે. તેમણે આ માટે 10 થી 15 દિવસનો સમય આપ્યો છે.મે મહિનાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના અલગ-અલગ વિસ્તારોમાં ટામેટાંના ભાવ અલગ-અલગ છે.

ઉત્તર ભારતમાં ટામેટાંનો ભાવ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે. ઉત્તર-પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં રેટ 60 થી 70 રૂપિયાની આસપાસ છે. સામાન્ય રીતે, વરસાદ દરમિયાન શાકભાજીની લણણી અને પેકીંગ મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવ વધી જાય છે. જાણીતું છે કે ગત વર્ષે પણ ભારે વરસાદ અને પૂર બાદ કેટલીક જગ્યાએ ટામેટાના ભાવ વધીને 350 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા.