બેસતું વર્ષ કેવી રીતે ઉજવાય છે, જાણો વિસરાતી પરંપરા

Diwali 2024: કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. જેને આપણે નૂતન વર્ષ પણ કહીએ છીએ. હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. આ દિવસે લોકો એકબીજાને (Diwali 2024) મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આની સાથે તળાવમાંથી મીઠું કાઢવાની એક પ્રાચીન પરંપરા પણ જોડાયેલી છે. જે સબરસ તરીકે ઓળખાય છે.

ગામડાના લોકોમાં નવું વર્ષ ઉજવવાની પરંપરા હજુ પણ અકબંધ
ખાસ કરીને ગુજરાતીઓ અને તેમાં પણ ગામડાના લોકો નવા વર્ષને અનોખી રીતે ઉજવે છે. નવા વર્ષને આવકારવા ઘર આંગણે રંગબેરંગી રંગોળી બનાવે છે. આ દિવસે સવારે નવા નવા કપડાં પહેરી લોકો દેવદર્શન કરવા જાય છે. વડીલોના આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા નીકળી પડે છે. આ બધી પરંપરાઓ આજે ફક્ત ગામડાઓમાં જ જોવા મળે છે.

સબરસ આપણા સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે
એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં વાર-તહેવારે સૌ સાથે ભેગા મળીને ઉત્સવો ઉજવતા.સુખ-દુ:ખમાં એકબીજાની મદદ કરતા. જે એક એકતાનું પ્રતિક ગણાતુ.આમાંની એક પરંપરા બેસતા વર્ષ સાથે સંકળાયેલી છે.આ દિવસે લોકો બાષ્પીભવન થયેલા તળાવોમાંથી મીઠું એકઠું કરતા. આ મીઠાના પથ્થરો ભેગા કરી ગામના દરેક લોકોમાં વિતરણ કરતા. જેને સબરસ કહેવાય છે. આ સબરસનો મતલબ એ થાય છે કે, આપણે સૌ એક છીએ. આ સબરસ આપણા સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે.

દિવાળીના દિવસે ‘ચોપડાપૂજન’ કરીને નવાવર્ષના રોજમેળ કરાવમાં આવે છે
વેપાર-વાણિજ્ય સાથે જોડાયેલા ગુજરાતીઓ દિવાળીના દિવસે ‘ચોપડાપૂજન’ કરીને નવાવર્ષના રોજમેળ માંડે છે. રાજકોટસ્થિત જયેશ શિંગાળા 30 વર્ષ કરતાં વધુ સમયથી એકાઉન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે નામું લખવા માટે લાલપૂંઠા અને દોરીવાળા હિસાબી ચોપડાથી લઈને કમ્પ્યૂટર સુધીનું પરિવર્તન જોયું છે.