હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન એટલે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર. ભક્તો ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે. સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઠેર-ઠેર ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રાઓ કાઢવામાં આવે છે તેમજ ભક્તો કૃષ્ણની ભક્તિમાં રંગાયેલા જોવા મળતા હોય છે.
હિન્દુ પંચાગ પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દર વર્ષે ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની આઠમે ઉજવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૃષ્ણના જન્મની રાત્રે તેમને પ્રિય માખણ-મિસરીની સાથે-સાથે પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. પંજરી સુકાધાણામાંથી બનાવવામાં આવે છે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારી હોય છે.
પંજરી માટે જોઈતી સામગ્રી:
આ વાનગી બનાવવા માટે 200 ગ્રામ સૂકા ધાણાના પાવડર, 100 ગ્રામ બુરુ ખાંડ, 200 ગ્રામ કોપરાનું છીણ, 10 નંગ વાટેલી ઈલાયચી, 100 ગ્રામ સૂકા મેવાનો પાવડર, 50 ગ્રામ કિશમિશ, 2 કપ ઘી ની જરૂર પડશે.
બનાવવાની રીત:
એક પેનમાં ઘી ગરમ કરીને ઈમા સૂકામેવા નાંખી થોડુ શેકીને બાજુ પર મુકી દો. ત્યારપછી ધાણા પાવડરમાં ઈલાયચી પાવડર ભેળવીને એમાં તળેલા સુકામેવાને ક્રશ કરીને ભૂકો પણ નાંખી શકો અથવા તો પછી સેકેલો સૂકો મેવો આખા પણ નાંખી શકો છો. સૂકી દ્રાક્ષ, કોપરાનું છીણ અને ખાંડ મિક્સ કરી દો.
પંજરીને સારી રીતે ભેળવવી જોઈએ. હવે તૈયાર છે શ્રીકૃષ્ણનો પંજરીનો પ્રસાદ. આની સાથે-સાથે જ લોકો નારિયેળની પંજરી પણ બનાવતા હોય છે. એને બનાવવા માટે એક પેનમાં સૂકા નારિયેળનું છીણ લઈને ધીમા તાપે શેકવું જોઈએ. તે ગોલ્ડન થઇ જાય બાદ ગેસ બંધ કરીને આ છીણને પ્લેટમાં લઈ લો.
એક પેનમાં ટેટીના બીજ લઈને તેને પણ શેકી દેવા. બીજ શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને એક પેન લઈને એમાં પાણી તથા ખાંડ લઈને તેને ધીમા તાપે ઉકળી દો. તેની 2 તારની ચાસણી બનાવવી જોઈએ. 2 તારની ચાસણી બની જાય એટલે તેમાં સૂકા નારિયેળનું છીણ તથા ટેટીના બીજ ઉમેરીને સરસ રીતે ભેળવી દો.
ત્યારપછી એક પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તેમાં આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર ડ્રાયફ્રૂટના બારીક ટુકડા ઉમેરીને તેને ચમચીની મદદથી પ્રેસ કરી લો. મિશ્રણને ઠંડુ થવા દો. હવે તૈયાર છે નારિયેળની પંજરી. આમ, બન્યા બાદ શ્રીકૃષ્ણને ધરાવી પોતે પણ આરોગવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.