Surat Indian Flag: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. 15 મે, ર૦રપના રોજ સવારે 9.30 કલાકે સંહતિ, સરસાણા ખાતે રાષ્ટ્રધ્વજ (Surat Indian Flag) સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રાંગણમાં 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજની સ્થાપના કરાઇ હતી. સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીના હસ્તે આ વિશાળ રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરી તેને ફરકાવવામાં આવ્યો હતો.
ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, જમ્મુ–કાશ્મીરના પહલ ગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ દિકરીઓના માથાનું સિંદુર ભુંસી નાંખ્યું હતું. ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ આતંકવાદને કોઇપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ભારતની સેનાએ ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના અડ્ડાઓ ઉડાવી 100થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
ભારતે, આખા વિશ્વને વીરતાનો પરિચય આપી પાકિસ્તાનમાં આતંકના મૂળ પર પ્રહાર કર્યો છે. આ ઘટનાની પાછળ ફક્ત સૈન્ય શક્તિ જ નહીં, પણ એક રાષ્ટ્ર તરીકે આપણી એકતા, આપણી સંકલ્પશક્તિ અને દેશપ્રેમ છે. આ જ ભાવનાને કાયમ રાખવા માટે ચેમ્બરના પ્રાંગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની માનભેર સ્થાપના કરાઇ છે.
સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા પ્રાગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની સ્થાપના એ ખૂબ જ સરાહનીય છે. આ વિશાળ રાષ્ટ્રધ્વજને દરરોજ ફરકતો જોઇને રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના કાયમી હૃદયમાં વસેલી રહેશે અને એના માટે સતત ગૌરવની અનુભુતિ થશે.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ નિખિલ મદ્રાસીએ રાષ્ટ્રધ્વજ સ્થાપના સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી નિરવ માંડલેવાલાએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ, પૂર્વ પ્રમુખ, ચેમ્બરના સભ્યો, ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App