આજે એટલે કે 1 ડીસેમ્બરના રોજ ચૂંટણી (Gujarat Election 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ લોકો મત આપવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર કીર્તિદાન ગઢવી (Kirtidan Garhvi)ને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા હતા.
તમને અટકાવવા પાછળનું કારણ એ હતું કે, તેમની પાસે આધારકાર્ડની હાર્ડકોપી ન હતી. જેના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે તેમને મતદાન ન કરવા દીધું હતું. આવા સમયે કીર્તિદાન ગઢવીએ એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્યું હતું અને એ બાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્સ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. ત્યારબાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.
હું 45 મિનિટથી રાહ જોઉં છું:
તેમને મતદાન ન કરવા દેતા કીર્તિદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાહેબ હંમેશા નિયમિત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા રહે છે, પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઇન્ડિયાનો અમલ નથી થતો. હું 45 મિનિટથી અહીં મતદાન માટેની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે આધારકાર્ડ હાર્ડકોપીમાં નથી, પરંતુ ડિજિટલ કોપીમાં છે છતાં પણ ચૂંટણીતંત્રમાં ફરજ પર તહેનાત કર્મચારીઓ મને મત આપતા અટકાવી રહ્યા છે, કારણ કે મારી પાસે હાર્ડ કોપીમાં આધારકાર્ડ નથી તો આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.
આ વાત મોદીસાહેબ સુધી પહોંચાડો:
વધુમાં કીર્તિદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મારી આ અધિકારીઓને પણ અપીલ છે કે તેઓ મોદીસાહેબને આ વાત પહોંચાડે કે આમ ને આમ ચાલતું રહેશે તો ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેન ક્યારેય સફળ નહીં થાય અને મારી જેવા સેલિબ્રિટીને આટલીવાર સુધી રાહ જોવી પડે તો જે નવા મતદારો છે જે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા માટે આવે છે, જો તેમની પાસે પણ આવું કોઈ પ્રૂફ નહીં હોય તો શું તેમણે પણ પાછું જવું? આ રીતે મતદાન ન થઈ શકે.
મતદાન જાગૃતિ કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર:
કીર્તિદાન ગઢવી ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર છે. તેઓ પાસે આધારકાર્ડની હાર્ડકોપી ન હોવાને કારણે ચૂંટણીતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ર્તેમજ નિયમ દરેક માટે સરખા રાખવામાં આવ્યા છે, પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય નાગરિક, જો આઈડી પ્રૂફ સાથે લઈને નહીં આવે અથવા તો મતદાન માટેની ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલી આચારસંહિતાનો અમલ નહીં કરે તો તેને મતદાન કરવાનો અધિકાર પણ પ્રદાન કરવામાં નહીં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.