દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલાવીને તમે તેનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આ અકાઉન્ટ તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલાવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા પર ઈનકમ ટેક્સ કાયદાના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ પણ મળે છે. લાંબા સમયગાળામાં સુકન્યા સમૃદ્ધિ મોટું ફંડ બનાવવામાં પણ મદદગાર છે. આ યોજનામાં ભારત સરકાર તમારી મદદ કરે છે.
આટલું રોકાણ કરવું પડશે
આ માટે તમે દીકરીનાં નામથી સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 14 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. દીકરીની ઉંમર જ્યારે 21 વર્ષની થશે ત્યારે આ અકાઉન્ટ મેચ્યોર થશે. દાખલા તરીકે, જો તમે તમારી 1 વર્ષની પુત્રીના નામ પર સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવો છો અને 14 વર્ષ સુધી દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરો છો તો વર્તમાન વ્યાજના દર મુજબ, તમારી દીકરી જ્યારે 21 વર્ષની થશે તો તેના અકાઉન્ટમાં કુલ 77,99,280 રૂપિયા જમા થઈ જશે.
દીકરી 25 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશે
જો દીકરીનાં લગ્ન 25 વર્ષની ઉંમર સુધી નથી થતા તો આ રકમ પર વ્યાજ મળતું રહેશે અને 25 વર્ષની ઉંમરમાં તેના અકાઉન્ટમાં 1 કરોડ રૂપિયાથી વધુ બેલેન્સ થઈ જશે. તમે 14 વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં કુલ 21 લાખ રૂપિયાનું રોકાણ કરશો અને તમારી દીકરીને 1 કરોડ રૂપિયાથી વધુ રકમ મળશે.
વાર્ષિક 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે
હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. કેન્દ્રીય સરકાર દર ત્રણ મહિને આ સ્કીમ પર મળી રહેલા વ્યાજની સમીક્ષા કરે છે. સુકન્યા સમૃદ્ધિ ખાતામાં કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું 1 વર્ષથી 10 વર્ષની દીકરીના નામ પર જ ખોલી શકાય છે.
ખાતું કેવી રીતે ખોલાવવું?
આ અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બ્રાન્ચની અધિકૃત શાખામાં ખોલી શકાય છે. અકાઉન્ટ ખોલ્યા પછી દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચલાવી શકાય છે. આ ખાતાથી 18 વર્ષની ઉંમર પછી બાળકના ઉચ્ચ શિક્ષણ માટે 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે.
આ છે જરૂરી દસ્તાવેજ
સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલવાનું ફોર્મ, દીકરીનું જન્મપ્રમાણ પત્ર, બાળકના માતા-પિતા અથવા વાલીનું ઓળખ પત્ર (પાસપોર્ટ, પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ) બાળકના માતા-પિતા અથવા વાલીનું અડ્રેસ પ્રુફ (પાસપોર્ટ, રાશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ). આ સ્કીમનું ફોર્મ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાંથી મેળવી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.