અમદાવાદ-મુંબઈ હાઇવે પરથી પસાર થવાના હોય તો ચેતી જજો- લાંબો ટ્રાફિકજામ, 4 દિવસથી વાહનચાલકો પરેશાન

Ahmedabad-Mumbai Highway Traffic: વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ(Ahmedabad-Mumbai Highway Traffic) થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો
કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે.

જેના કારણે સવારે કામધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. લાખો કરોડો રૂપિયા રોડ-રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, આજે શનિવારે વહેલી સવારથી પોરથી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો.

હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા
તંત્રના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થાય છે. આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા.

ટ્રાફિકજામની સમસ્યથી લોકો થયા હેરાન પરેશાન
જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.