અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી: 60ની ઝડપે ભારે પવન ફૂંકાશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

Gujarat Weather Update: ઉનાળાની શરૂઆત થઇ જતાં આકાર તાપની વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમી ભેજવાળા પવનોના (Gujarat Weather Update) કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે. 26 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવવાના સંકેત જોવાઇ રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે અડધો ઈંચ સુધીનો કમોસમી વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

લોકો બેવડી ઋતુનો અનુભવ કર્યો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં છેલ્લા સાત દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદ સહિત સાત શહેરનું મહતમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટ અને ભુજમાં સૌથી વધુ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગાંધીનગર સહિત મુખ્ય 12 શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બેવડી ઋતુનો અનુભવ થઇ શકે છે. સવારે ઠંડા પવનનાના કારણે ઠંડીનો અનુભવ થઇ શકે છે તો બીજી તરફ દીવસ ચઢતાં ગરમીનો પણ અનુભવ થશે. આમ બેવડી ઋતુનો લોકો અનુભવ કરશે.

બીજા રાજ્યોની વાત કરીએ તો દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આકરી ગરમી વચ્ચે આ રાહતના સમાચાર છે. શનિવારે (22 માર્ચ) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.6 ડિગ્રી ઓછું હતું. IMD વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

શનિવારે (22 માર્ચ) બપોરે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હવામાન અચાનક બદલાઈ ગયું હતું અને લખનૌ, બદાઉન, બરેલી, આગ્રા, અલીગઢ સહિત ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાયો હતો જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જો કે, રવિવારે (23 માર્ચ) હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે અને ગરમી વધી શકે છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં 23 માર્ચથી 28 માર્ચ સુધી હવામાન શુષ્ક રહેશે અને કોઈપણ ભાગમાં વરસાદ કે ભારે પવનની ચેતવણી નથી.

બિહારમાં કેવું રહેશે હવામાન?
સોમવાર (24 માર્ચ)થી હવામાન શુષ્ક રહેશે. આ સાથે, તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, હાલમાં બિહારના 12 જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેને જોતા પટના હવામાન કેન્દ્રે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન સામાન્ય રહેશે અને હળવા પવનો ફૂંકાતા રહેશે.