ઉત્તરાયણમાં ચીકી અને તલના લાડુ ખાવાનું છે ખાસ મહત્વ, જાણો પૌરાણિક કારણ

MakarSankranti 2025: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ આવે છે. શિશિર ઋતુનો અંત આવે છે અને વસંતની શરુઆત થાય છે, પાકની કાપણી થાય છે, અને આવા વિવિધ કારણોસર આ તહેવારની ઉજવણી (MakarSankranti 2025) કરવામાં આવે છે. દેશભરમાં આ તહેવાર અલગ-અલગ પ્રકારને ઉજવવામાં આવે છે. પરંતુ લગભગ દરેક રાજ્યમાં તે દિવસે તલનો ઉપયોગ કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા
ધર્મ શાસ્ત્રો અનુસાર, તલના દાનથી શનિનો પ્રકોપ ઓછો થાય છે. તલનું સેવન કરવાથી, તલ વાળા પાણીથી સ્નાન કરવાથી, પાપોથી મુક્તિ મળે છે અને નિરાશા દૂર થાય છે. આ સિવાય એક માન્યતા એવી છે કે ઉત્તરાયણના દિવસે અસત્ય પર સત્યનો વિજય થાય છે, માટે કડવી વાતો ભુલીને નવી શરુઆત કરવામાં આવે છે. માટે તલના લાડુ, ચીક્કી અને બરફી ખાવામાં આવે છે.

ગુણકારી છે તલ
તલમાં કૉપર, મેગ્નેશિયમ, ટ્રાઈયોફન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન બી1 જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તલમાં એન્ટીઓક્સીડન્ટ ગુણો પણ હોય છે. આનાથી લોહીની લિપિડ પ્રોફાઈલ વધે છે. આ સિવાય જેને સાંધાના દુખાવાની ફરિયાદ હોય, તેમણે ખાસ તલ ખાવા જોઈએ.

શિયાળામાં તલનું મહત્વ
જો વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો, તલના સેવનથી શરીર ગરમ રહે છે. શિયાળામાં શરીરનું તાપમાન ઘટી જતું હોય છે, માટે બહારના તાપમાન અને અંદરના તાપમાનને બેલેન્સ કરવાની જરુર પડે છે. તલ અને ગોળ ગરમ હોવાથી તે ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. માટે આ તહેવારમાં તલ અને ગોળની વાનગીઓ બનાવવામાં આવે છે.

ઉત્તરાયણ પર ખાવાનું કારણ
એવી માન્યતા છે કે રાહુ મકર રાશિના સ્વામી શનિ અને સુર્યનો વિરોધી છે. જેના કારણે બંને ગ્રહો દ્વારા મળતા પ્રતિકૂળ ફળના નિવારણ માટે ખાસ તલનો પ્રયોગ કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે તલનું દાન કરવાથી વિષ્ણુની પ્રાપ્તિ થાય છે અને તેનાથી રાહુ અને શનિના દોષનો પણ નાશ થાય છે. તલ વિષ્ણુ ભગવાનને પ્રિય છે.

તલ સાથે જોડાયેલી પૌરાણિક કથા
શાસ્ત્રો અનુસાર, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ ધન રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિના સ્વામી શનિ દેવ છે, જે સૂર્ય દેવના પુત્ર હોવા છતાં સુર્ય સાથે શત્રુભાવ રાખે છે. શનિદેવના ઘરમાં સૂર્યની ઉપસર્થિતિ દરમિયાન શનિ તેમને કષ્ટ ન આપે તે માટે તલનું દાન અને સેવન કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે માઘ માસમાં જે વ્યક્તિ રોજ ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરે છે, તેના બધા કષ્ટ દૂર થઈ જાય છે. માટે તે દિવસે તલ કોઈના કોઈ રીતે ચોક્કસપણે ખાવા જોઈએ.