મોતની રાત ડ્રોનમાં કેદ: રાજકોટના TRP ગેમઝોનમાં આખી રાત જોવા મળ્યો દર્દનાક માહોલ; વિડીયો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો

Rajkot TRP Gamezone Fire: ગત રોજ શનિવારે શહેરના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે. 28 વ્યક્તિના DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે.ગઈકાલે આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડ, પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જેમ જેમ મોતનો આંકડો વધતો ગયો તેમ તેમ સેવાભાવી લોકો દોડી ગયા હતા. આગ(Rajkot TRP Gamezone Fire) એટલી વિકરાળ હતી કે, ગેમઝોન આખો બળીને ખાખ થઈ ગયો હતો.ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે.

ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી
ગેમઝોનમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ફાયર સેફ્ટીના સાધનો હતા, પણ કનેક્શન નહોતું. ગેમઝોન NOC વગર જ ચાલતુ હતું. સાડા ત્રણ વર્ષથી કોઈપણ ચકાસણી વગર ધમધમતું હતું. ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠીયા સમાન હતા.તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે.

વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો
રાત્રીના 9 વાગ્યે આગ ઓલવી દીધા બાદ શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે જેસીબી ચાલુ કર્યું હતું અને તેનો પાવડો બીજા માળ સુધી પહોંચીને પતરું તોડતાં જ બહારની હવા અંદર ગઈ હતી અને ફરી આગ ભભૂકી હતી. સ્થળ પર ફાયર ટેન્ડર હતા એટલે ફરી આગ બુઝાવાઈ હતી. આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે. ત્યારે ઘટનાસ્થળે સૌ પ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક મિનિટમાં આગ છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ. ગેમ ઝોનમાં રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું.

ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ
અંદાજે 2500 લિટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાંના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને બાળકો સહિતના લોકો અંદર હતા તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો-બચાવોની બૂમો પાડી હતી.

દરેકની એક જ માગ- તંત્ર સહકાર આપે
આ સિવાય અન્ય ગુમ વ્યક્તિઓનાં પરિવારજનોએ પણ આખી રાત સિવિલના ઓટલે વિતાવી હતી. દરેકની લગભગ એક જ માગ હતી કે તંત્ર દ્વારા સહકાર આપવામાં આવે અને તેમના પરિવારને દરેક ગતિવિધિથી માહિતગાર રાખવામાં આવે.રાજકોટ TRP આગકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગેમઝોનનું DVR કબ્જે કર્યું છે. તપાસ ટીમ SIT અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે કે, ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરાશે. પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ થશે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે બાબતે પણ અમે અહેવાલ રજૂ કરીશું.

ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે ગેમ ઝોન બની ગયો
આવા શેડ ધાર્મિક કાર્યક્રમો, એક્સ્પો તેમજ મેળાઓમાં ઊભા કરાતા હોય છે. ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે ગેમ ઝોન બની ગયો પણ હવે ત્યાં ગ્રાહકોને લાવવા હોય તો એકાદ તંત્રની મંજૂરી તો લેવી જ પડે. જો મનપામાં જાય તો તેમને એ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં પણ ફાયર એનઓસી ફરજિયાત લગાવવી પડે. જેથી તેના બીજા રસ્તા તરીકે માર્ગ અને મકાન વિભાગની મિકેનિકલ બ્રાન્ચમાં રાઈડની મંજૂરીની અરજી કરાઈ હતી. વિભાગના ઈજનેરોએ સ્થળ પર અલગ અલગ પ્રકારના ગેમ ઝોનના ઈક્વિપમેન્ટના સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપી દીધા હતા. આવા સર્ટિફિકેટ જન્માષ્ટમીના મેળાઓમાં અપાય છે. જેના અધારે પોલીસ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી આપે છે.