આજકાલના યુવાનોમાં સહનશક્તિનો(Endurance) ખુબ જ અભાવ જોવા મળે છે. નહિ જેવી બાબતો પર તેઓને તરત જ ઉંધા વિચારો આવવા લાગે છે. આ ઘટનામાં પણ એવું જ કઈ છે. આ ઘટના રાણપુર (Ranpur) તાલુકાની છે. જેમાં પિતાના ઠપકો આપવા પર પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર રાણપુર તાલુકાના અળવ ગામના કોળી પટેલ 20 વર્ષીય બે યુવાનો રાહુલભાઇ ભરતભાઇ સલીયા અને જયેશભાઈ ભરતભાઈ બાવળીયા બંને ખાસ મિત્રો હતા અને અવાર નવાર સાથે ગામમાં હરતા-ફરતા. તે દરમિયાન જયેશભાઈના પિતા ભરતભાઈએ ગામમાં આટા ફેરા મારવા કરતા ખેતીકામમાં મદદ કરવાનું કહેતા અને અવાર નવાર આ બાબતે ખેતીમાં મદદ કરવા બાબતે ઠપકો આપતા હતા.
જાણવા મળ્યું છે કે, તા.25/2/22ના રોજ રાત્રે 9.00 કલાકે જયેશ બાવળીયા અને રાહુલ સલીયા બંને જયેશ બાવળીયાના ઘરે ગયા હતા તે દરમિયાન જયેશના પિતા ભરતભાઈ બાવળીયાએ બંનેને ક્યા હતા અને ક્યાંથી આવો છો એવા થોડા પ્રશ્નો કર્યા હતા. ત્યારે બંને મિત્રોએ જણાવ્યું હતું કે અમે ગામમાં જ હતા. જેથી ભરતભાઈએ ઠપકો આપતા કહ્યું હતું કે તમે બંને આખો દિવસ આટા મારો છો ગમે ત્યાં ફરો છો કઈ કામ ધંધો કરતા નથી અને મારો દીકરો પણ તારી સાથે ફરે છે અને મને ખેતી કામમાં મદદ કરાવતો નથી. જેથી તમે બંને કામ ધંધો કરવા માંડજો.
પિતાના માત્ર આટલા જ ઠપકાથી બંને મિત્રો જયેશ અને રાહુલ ઘરેથી નીકળી ગયા હતા. મળેલી માહિતી મુજબ બંને મિત્રો તા.25ના રોજ રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને તા.26નાં રોજ વહેલી સવારે 4.00 પહેલા કુંડલી ગેટ ફાટક પાસે રાણપુરથી બોટાદ જતી ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું હતું.
આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર રાણપુર પંથકમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના અંગે રાણપુર પોલીસને જાણ થતા પી.એસ.આઈ. એસ.એચ.ભટ્ટ અને પોલીસ સ્ટાફનાં માણસો તરત જ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ત્યારબાદ તપાસ શરુ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.