જૂની યાદો થઇ તાજી! અમરેલીમાં વરરાજો અને જાનૈયાઓ બળદગાડામાં 8 કિલોમીટર સુધીનું અંતર કાપી પરણવા પહોંચ્યા

ગુજરાત(Gujarat): હાલમાં લગ્નપ્રસંગનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજકાલ વરરાજા મોંઘીદાટ કારમાં સવાર થવાનું પસંદ કરી રહ્યા હોય છે. તો જ્યારે કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા માટે પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો એવો છે કે, જેની આખી જાન બળદગાડામાં સવાર થઈને પરણવા પહોંચી. નવાઈની વાત તો એ છે કે, ખુદ વરરાજો પણ બળદગાડામાં જ સવાર થયો હતો. મોટી ઉમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના જુના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ ગઈ હતી.

નવી પેઢીને જૂની પરંપરાને જાળવી રાખી:
આપણે સૌ જાણીએ છીએ કે, મિનિ ટ્રેકટર આવી જતા હવે ગામડાઓમાં મોટાભાગના ખેડૂતોએ બળદગાડા રાખવાનું બંધ કરી દીધું છે. ત્યારે એવામાં મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના આગાઉ જ ગાડાને શણગારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ભૂતકાળમાં જે રીતે બળદગાડામાં જાન નીકળતી તે જ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદનો શણગાર કર્યો હતો.

બળદગાડામાં સવાર થઈ 8 કિલોમીટર સુધીનું અંતર કાપ્યું:
મળતી માહિતી અનુસાર, ડોબરિયા પરિવારનું મૂળ ગામ દિતલા છે અને ત્યાંથી કન્યાપક્ષનું નેસડી ગામ 8 કિલોમીટરના અંતરે જ આવેલું છે. જાનમાં સામેલ થયેલા લોકો અને ખુદ વરરાજાએ 9 જેટલા ગાડામાં સવાર થઈ આ 8 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને જૂની પરંપરાને જાળવી રાખી હતી.

લોકોને જૂની યાદો તાજી થઈ:
પહેલાના જમાનામાં લગ્નપ્રસંગે જાન ગાડામાં સવાર થઈને જ નીકળતી હતી. પરંતુ, વાહનોના આગમન બાદ ધીમે ધીમે બળદગાડાની પરંપરા પણ લુપ્ત થતી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકોએ બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા મોટી ઉમરના લોકોને ભૂતકાળની યાદો ફરી એક વખત તાજી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *