રાજકોટમાં બાઈક સ્લીપ થતા રેતી ભરેલું ડમ્પર યુવક પર ફરી વળતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

Rajkot Accident: રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના ભાગોળે આવેલા વાજડી પુલ પાસે ખૂટિયાને તારવવા જતા બાઇક સ્લીપ થયું હતું. બાઇક સ્લીપ થતાં યુવક પાછળ આવી રહેલા ટ્રક નીચે આવી ગયો હતો. પૂરપાટ ઝડપે આવતી(Rajkot Accident) ટ્રક નીચે કચડાઇ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બાઈક સ્લીપ થઇ જતા બંને મિત્રો ફંગોળાઈ ગયા
રાજકોટનાં મવડી ચોકડી નજીક રહેતો અને લોધીકા નજીક કંપનીમાં નોકરી કરતો મુળ પોરબંદરનો ચીરાગ ચીકાણી (ઉ.વ.30) એ આજે સવારે તેના મિત્ર નીતીન રાઠોડ કે જે પણ લોધીકા નજીક કંપનીમાં નોકરી કરે છે તેને કોલ કરીને સાથે બાઈકમાં લે તા જવાનું કહ્યું હતુ.

આથી નીતીન આજે સવારે ચીરાગને લઈ કંપનીએ જવા રવાના થયા હતાં. બાઈક ચીરાગ ચલાવતો હોય કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામથી આગળ ન્યારી નદીના પુલ પાસે બને પહોંચ્યા હતાં. આ સમયે પુલ નજીક બે ખૂંટીયા ઝઘડી રહ્યાં હોવાથી ચીરાગે થોડે દુર સાઈડમાંથી બાઈક હકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક સ્લીપ થઈ જતા બંને મિત્રો રસ્તા પર ફંગોળાઈ ગયા હતાં.

ટ્રક નીચે આવી જતાં મોત
બાઇક સ્લીપ થયું એ જ સમયે તેમની પાછળ એક ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. ચિરાગ ચીકણી નામનો 35 વર્ષીય યુવક ટ્રક નીચે આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેસેલા 27 વર્ષીય નિતીન રાઠોડને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રસ્તા પર રખડતાં ઢોરોને કારણે એક પરિવારે ઘરના આધારસ્તંભ સમો યુવક ગુમાવી દીધો છે. ચિરાગના મોતથી પરિવારના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

રખડતાં ઢોરોના ત્રાસના કારણે નિર્દોષનો જીવ જતા લોકોમાં રોષ
બનાવના પગલે પુલ પાસે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત થયો હોવા અંગે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રખડતાં ઢોરોના ત્રાસના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડતો હોય સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ડમ્પરચાલક ફરાર થયો
બનાવ અંગે 108માં કોલ કરતા 108ના પાઇલોટ મેહુલદાન ઇસરાણી અને ઇએમટી ડોકટર ચિરાગભાઈ પરમાર દોડી ગયા હતા. ચિરાગને સ્થળ પર જ મૃત જાહેર કરાયો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.