Surat Accident: સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાળ બનીને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઈક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા ડમ્પરના(Surat Accident) ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ આવી પહોંચી હતી અને તેને પોલીસ હવાલે કરી દીધો હતો.
ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર પટકાયા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો.
સાહિલ પિતા સાથે જ બાઈક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા-પુત્ર બાઈક પર સાંઈ પોઇન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા.
108 તથા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો. જેથી તેના પર ડમ્પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકાવવાના કારણે બચી ગયા હતા. આ અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી.બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ડીંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી અને ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પરિવાર શોકમાં ગરકાવ
15 વર્ષીય દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના દીકરાનું પોતાની જ નજર સામે મોતના પગલે ઘટના સ્થળે માતા-પિતાના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ થઈ ગયો હતો.આ અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App