પુણા વિસ્તારમાં સીતાનગર ઓવર બ્રિજ પર મોપેડ પર પતિ સાથે દવાખાને જતી પ્રેગ્નન્ટ પરિણીતાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને બાઇકસવાર ફરાર થઈ ગયા હતા. સ્નેચરોની બાઇક આગળ જતા પડી જતાં એક સ્નેચરને ઈજા થઈ હતી જ્યારે બીજો ચેઇન સાથે ફરાર થઈ ગયો હતો. પરિણીતાના પતિએ ઈજાગ્રસ્ત સ્નેચરને સ્થાનિક દવાખાનામાં લઈ જઈને સારવાર કરાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાગામ-ડિંડોલી ખાતે શિરડીધામ સોસાયટી રહેતો આશિષકુમાર ચંદ્રશેખર ગુપ્તા મુંબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલમાં વેકેશન હોવાથી પ્રેગ્નન્ટ પત્ની શ્રૃતિ સાથે સુરત આવ્યો છે. મંગળવારે સાંજે આશિષકુમાર શ્રૃતિને દવાખાને બતાવવા માટે મોપેડ પર પુણા વિસ્તારમાં સીતાનગર પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સીતાનગર ઓવર બ્રિજ પર પાછળથી એક બાઇક પર આવેલા બે પૈકી પાછળ બેસેલા સ્નેચરે શ્રૃતિને તમાચો મારીને ગળામાંથી સોનાની ચેઇન (કિં. રૂ. 33 હજાર) લૂંટી અને મોપેડ નીચે પાડવાના ઇરાદાથી મોપેડને લાત મારી હતી.
જોકે આશિષકુમારે મોપેડ નિયંત્રણમાં કરી લીધી હતી. ત્યાર બાદ આશિષકુમારે સ્નેચરોનો પીછો કર્યો હતો. આગળ જતાં સ્નેચરોની બાઇક સાથે પટકાયા હતા. જોકે, બાઇક પર પાછળ બેસેલો સ્નેચર ભાગી ગયો હતો. માથામાં ગંભીર રીતે ઘાયલ બાઇક ચલાવનાર સ્નેચર ત્યાં જ પડેલો હતો. આથી આશિષકુમાર ઈજાગ્રસ્ત સ્નેચરને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયો હતો. તે સમયે પોલીસને જાણ કરતાં પોલીસ દવાખાને પહોચી કાર્યવાહી આદરી હતી. ઈજાગ્રસ્ત સ્નેચરનું નામ મોહંમદ રફીક મોહંમદ સરવરખાન (રહે. કામરેજ) છે. તેની સાથેના આરોપીનું નામ મોહંમદ રફીકને ખબર નથી. આશિષકુમાર ગુપ્તાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.