સુરતમાં જાનૈયાઓએ ફટાકડા ફોડી કરી ધમાલ, પછી સૂટ-બૂટ પહેરી અપ ટુ ડેટ તૈયાર થયેલા જાનૈયાઓએ હાથમાં ઝાડું લઈ કરી સફાઈ

Surat News: તાજેતરમાં સુરતે દેશના નંબર વન સ્વચ્છ શહેર તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે. શહેર ભવિષ્યમાં પણ નંબર વન ક્લીન સિટી બની રહે તે માટે…

Surat News: તાજેતરમાં સુરતે દેશના નંબર વન સ્વચ્છ શહેર તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે. શહેર ભવિષ્યમાં પણ નંબર વન ક્લીન સિટી બની રહે તે માટે હવે શહેરીજનો પણ કટિબદ્ધ થયા છે. શહેરીજનો હવે શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાની રીતે જ પ્રયાસો કરવા લાગ્યા છે. આવો જ એક પ્રયાસ કતારગામમાં જોવા મળ્યો છે.ત્યારે કતારગામમાં લગ્ન પ્રસંગે(Surat News) સૂટ બૂટ પહેરી વરઘોડામાં સામેલ થયેલા જાનૈયાઓએ રસ્તા પરનું કચરું વાળી અનોખો સંદેશ આપ્યો હતો. આ જાનૈયાઓના કાર્યની સુરતના મેયર દક્ષેશ માવાણીએ પણ સરાહના કરી છે.

મનપા તંત્રએ દંડ વસૂલવાની કડક કાર્યવાહી શરૂ કરી
સુરત શહેરને ક્લીન સિટી બનાવી રાખવા માટે સુરત મનપા તંત્ર દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી લગ્ન પ્રસંગોમાં રસ્તા પર ફટાકડા ફોડી ફેલાવામાં આવતા કચરાનો દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરઘોડામાં સામેલ જાનૈયાઓ દ્વારા રસ્તા ઉપર ફટાકડા ફોડી કે કાગળોના ટુકડા ઉડાવીને ખૂબ કચરો કરવામાં આવતો હતો, તેથી મનપા તંત્રએ દંડ વસૂલવાની કડક કાર્યવાહી શરૂ કરી હતી. આથી લોકો પણ જાગૃત થયા છે.

લગ્ન પ્રસંગે સૂટ બૂટ પહેરી રસ્તા પરનું કચરું વાળી અનોખો સંદેશ આપ્યો
ફટાકડા ફોડવાનું તો બંધ નથી કર્યું પરંતુ ફટાકડા ફોડ્યા બાદ હવે જાનૈયાઓ કચરો રસ્તા પરથી વાળતા જોવા મળ્યા છે. આવી જ એક ઘટના કતારગામના આંબા તલાવડી વિસ્તારમાં બની છે. અહીં મુખ્ય માર્ગ પરથી એક વરઘોડો પસાર થયો હતો. ત્યારે વરરાજાની બગી પાછળ સુટ બુટ પહેરેલા જાનૈયાઓ હાથમાં ઝાડુ લઈ રસ્તા પર કચરો વાળતા જોવા મળ્યા હતા. નાચતા કૂદતા હસતા હસતા જાનૈયાઓ કચરો વાળી રહ્યાં હોય તે જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું.

આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી
જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી. મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, જાણીને ખૂબ આનંદ થયો. સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી. આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખી શકીશું.