સુરત/ હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે કતારગામમાં 94 લાખના રફ હીરા લઈને વેપારી બંધુઓ રફૂચક્કર

Surat Diamond News: સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી સુરતના હીરાબજારમાં જાણે ગ્રહણ લાગ્યું છે. હીરા બજારમાં મંદી વચ્ચે છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે કતારગામના હીરાના વેપારી પાસેથી 94 લાખના રફ હીરાનો માલ ક્રેડિટ પર લઈ વરાછાના બે વેપારી બંધુઓ હીરાનો(Surat Diamond News) માલ બારોબાર વેચી મારી નાણા ચાંઉ કરી દીધા છે.

કાચા હીરાનો 94 લાખનો માલ બે લેભાગુ વેપારીએ કર્યો ચાઉં
મળતી માહિતી પ્રમાણે કતારગામ રોયલ પાર્ક બંગ્લોઝમાં રહેતા અને નંદુ ડોશીની વાડીમાં હીરાનો વેપાર કરતા ભીમજીભાઈ ઈટાલીયાએ દલાલ મારફતે વિપુલ બલર અને તેના ભાઈ અલ્પેશ બલરને કાચા હીરાનો 94 લાખનો માલ 90 દિવસની ક્રેડિટ પર આપ્યો હતો. ત્યારે બન્ને લેભાગુ વેપારીઓ પૈકી વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું અને અલ્પેશનું ગારીધાર વતનમાં હીરાનું કારખાનાનું છે.તો આ માલ વહેંચવાના બહાને લઇ ગયા હતા જે બાદ 94 લાખના હીરા બારોબાર વહેંચી બન્નેએ મળી નાણાં પચાવી લીધા હોવાની વિગતો સામે આવી છે.

લેભાગુ વેપારી વિપુલ બલર અને અલ્પેશ સામે ઠગાઈનો ગુનો દાખલ
90 દિવસની મુદત પુરી થતા દલાલે અને વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી. થોડા દિવસમાં ચુકવી દેવાના વાયદાઓ કરી બાદમાં બન્ને જણાએ વેપારીને કહ્યું કે અમે બધુ પોલીસ અને કોર્ટની કાર્યવાહી જાણીએ છીએ, જે કરવું હોય તે કરી લો. આખરે વેપારીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે લેભાગુ વેપારી વિપુલ બલર અને અલ્પેશ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

આરોપીઓ કારીગરોનો પગાર કર્યા વગર કારખાના બંધ કરી ભાગી ગયા
નાણાં ચાઉં કર્યા બાદ ઉપરથી વેપારીએ ધમકી આપી કે તમે વધારે ઉઘરાણી કરશો તો અમે દવા પીને તમને પોલીસ કેસમાં ફસાવી દઈશું, પોલીસ અને કોર્ટ અમારૂ કંઈ નહિ બગાડી શકે, સાથે વેપારીના પુત્રને રસ્તા પર બહાર નીકળશે તો જોઈ લેવા સુધીની ધમકી આપી હતી. બન્ને આરોપીઓ કારીગરોનો પગાર કર્યા વગર કારખાના બંધ કરી ભાગી ગયા હતા.