Mahesh Savani: દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી (Mahesh Savani) લગ્ન. એના યજમાન હોય સુરતનું સેવાભાવી એવું પી.પી.સવાણી પરિવાર. આજ સુધી 5274 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણીના આંગણેથી આગામી 14 અને 15 ડિસેમ્બર એમ બે દિવસમાં 111 દીકરીઓને પિયરયું છોડીને સાસરે વળાવાશે.
પિયરિયું લગ્ન સમારોહમાં 111 દીકરીઓ જોડાઈ
વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, ચૂંદડી મહિયરની, દીકરી જગત જનની, માવતર અને હવે “પિયરયું” જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5274 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
અનેક મહાનુભાવો હાજર રહેશે
આ અંગે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે “50 હજાર જેટલા તુલસીના રોપા” ભેટમાં અપાશે. પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક વૃક્ષ મા કે નામ” ના આહ્વાનને આગળ લઈ જનારો છે. સાથે આ રોપાને “અંગદાન જાગૃતિ” ના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારિબાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી પ્રદેશ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ,સનદી અધિકારીઓ, સાધુ-સંતો, જાણીતા વક્તા, ગાયિકાઓ સહિત અનેક મહાનુભાવ હાજર રહેશે.
દીકરીની તમામ જવાબદારી આ સંસ્થાની રહે છે
વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે. અમારી દીકરી-જમાઈનું “સેવા સંગઠન” પણ બન્યું છે. આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ “સેવા સંગઠન” બનાવ્યું છે. ઈશ્વર નહી કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે.સાથે જ એના બાળકની શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈપણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા-સંગઠન પ્રતિબધ્ધ છે.
9 ટકા દીકરીઓને પિતા કે ભાઈ નથી
પિયરયું લગ્ન સમારોહમા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ કન્યા છે, બે મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ ૧૧૧ દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 કન્યા છે એ પૈકી 90 ટકા કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App