સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા લુંટના બનાવો દરમિયાન ફરીવાર સુરતમાંથી એક લુંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં અડાજણ વિસ્તારમાં એલપી સવાણી નજીકથી રાહદારીનો મોબાઈલ ઝૂંટવી ભાગતા બે બાઈક સવારને લોકોએ પકડીને મેથી પાક આપ્યો હતો. ત્યારબાદ આ બે શખ્સોને પોલીસને હવાલે કરી દીધાં હતાં. જાણવા મળ્યું છે કે, સવારના સમયે બનેલી ઘટના બાદ લોકોના હાથે ઝડપાયેલાં મોબાઈલ ચોર બાઇક સવાર પાસેથી 10 મોબાઇલ અને બે સોનાની ચેઇન મળી આવી હતી. અડાજણ પોલીસ દ્વારા બન્નેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આજે સવારે એસ્સાર કંપનીમાં કામ કરતા એક કર્મચારી મોબાઇલ પર વાત કરતા કરતા જઇ રહ્યા હતા. ત્યારે ગૌરવપથ રોડ નક્ષત્ર ફ્લેટ નજીક બાઇક સવાર બે યુવાનો એ રાહદારીનો મોબાઈલ ઝૂંટવી ભાગી ગયાં હતાં. જેને લઈ રાહદારીએ ચોર ચોરની બુમો પાડી હતી અને દોડીને પકડવાનો પ્રયાસ કરતા લોકો ભેગા થઈ ગયાં હતાં. ત્યારબાદ બાઇક સવાર બન્ને શખ્સોને પકડીને જાહેરમાં જ ફટકાર્યાં હતાં.
જાણવા મળ્યું છે કે, લોકોના માર અને ગુસ્સાથી ગભરાય ગયેલા બન્ને બાઇક સવાર ચોરોએ તાત્કાલિક ખિસ્સાથી 10 મોબાઈલ અને બે સોનાની ચેઇન કાઢીને બહાર મૂકી દીધી હતી. જેને લઈ લોકોમાં વધુ ગુસ્સો જોવા મળ્યો હતો. વારંવાર પૂછવામાં આવતા બન્ને ચોરોએ વહેલી સવારથી અનેક લોકોને નિશાન બનાવ્યા હોવાનો ખુલાસો થયો હતો.
જોકે, ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા બન્નેને અડાજણ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. છેલ્લા એક બે વર્ષથી ગૌરવ પથ રોડ પર રાહદારીઓના મોબાઈલ ઝૂંટવવાના અને ગળામાંથી સોનાની ચેઇન તોડવાના કેસ વધી રહ્યાં છે. ત્યારે હાલ બે તસ્કરો પકડાયા બાદ આખી ગેંગ હાથમાં આવી શકે તેમ હોવાનું કહેવાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.