સુરતમાં આતંકીઓએ એરપોર્ટમાં ઘુસી 6 મુસાફરોને બનાવ્યા બંધક, ચેતક કમાન્ડોએ આ રીતે પાર પાડી મોકડ્રીલ

Mockdrill at Surat Airport: જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ચાર આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘુસી 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના(Mockdrill at Surat Airport) અધ્યક્ષ અને કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આયોજિત મોકડ્રીલમાં એરપોર્ટ અથોરિટી દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

એરપોર્ટ પર મોકડ્રિલકનું આયોજન
વહેલી સવારે 6.30 વાગ્યે વિમાન હાઈજેક કરવાના ઈરાદે ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના A-2 ગેટ પર પહોંચ્યા હતા. સિક્યોરિટીએ અટકાવતા અચાનક તેમણે AK 47 રાઈફલ દ્વારા CISF ના સિક્યોરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘુસી ગયા હતા. જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી. સુરત પોલીસ તથા CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો.

એક હેલિકોપ્ટર તેમજ 200 કરોડની ડિમાન્ડ કરી
પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરશ્રી વી.જે.ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલરૂમમાંથી આંતકીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં આંતકીઓએ એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની, એક હેલિકોપ્ટર તેમજ 200 કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડો ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને ઝબ્બે કર્યા હતા અને તેમની પાસેથી ચાર AK 47 રાઈફલ કબ્જે કરવામાં આવી હતી.

મૂઠભેડમાં આતંકીઓએ 15 રાઉન્ડ ફાયરીંગ કર્યું
આતંકવાદીઓ સાથે મૂઠભેડમાં આતંકીઓએ 15 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન તમામ છ બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી.

આ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
મોકડ્રીલમાં એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદિપસિંહ નકુમ, ક્રાઈમ ડી.સી.પી. બી.પી.રોજીયા, ઝોન-૬ ના ડી.સી.પી. શ્રી આર.ટી.પરમાર, મામલતદાર પંકજ મોદી, CISFના ડે. કમાન્ડન્ટ આશિષ રાવત, સુરત એરપોર્ટ જનરલ મેનેજર ચંદ્રકાંત સંકુશલે, ફાયર, સિટી પોલીસ અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.