હીરા ઉદ્યોગમાં વર્ષ 2008 કરતાં પણ ઘેરી મંદીના એંધાણ, અહીંયા ગુજરાતીઓની 60 ઓફિસને તાળા લાગ્યા

Diamond Industry: હીરા ઉદ્યોગમાં વર્ષ 2008માં મંદી હતી તેનાં કરતાં પણ વધારે મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં હીરા કટ એન્ડ પોલિશ્ડનું કામ થાય છે. ત્યાર બાદ હોંગકોંગ, દુબઈ(Diamond Industry ) સહિતના દેશોમાં હીરાનું એક્સપોર્ટ થાય છે અને ત્યાંથી હીરા વેપારીઓ દ્વારા ટ્રેડિંગ કરવામાં આવે છે.

હીરાના ભાવોમાં 3 વર્ષમાં 30થી 35 ટકાનો ઘટાડો થયો
હોંગકોંગમાં હાલમાં 600થી વધારે ગુજરાતી હીરા વેપારીઓની ટ્રેડિંગ ઓફિસો કાર્યરત છે. પંરતુ છેલ્લાં 6 મહિનામાં 60થી વધારે ઓફિસો મંદીના કારણે બંધ થઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત 6 મહિનામાં 60 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો બંધ થઈ હોય તેવી પ્રથમ ઘટના છે. ચાઇનીઝ જ્વેલર્સો અને વેપારીઓ હીરાની ખરીદી હોંગકોંગથી કરતાં હતાં. પરંતુ છેલ્લાં 3-4 વર્ષથી સોનાના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી તરફ તૈયાર હીરાના ભાવોમાં 3 વર્ષમાં 30થી 35 ટકાનો ઘટાડો થયો છે જેના કારણે ચાઇનીઝ લોકોએ ડાયમંડ જ્વેલરીની જગ્યાએ પ્લેઈન ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું વધારે શરૂ કર્યું હોવાથી આ અસર થઈ છે.

હીરા માર્કેટ સુધરે તેની રાહ જોવાઈ રહી છે
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, 3 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી અંડર આઉટ ઓફ કંટ્રોલ છે. તૈયાર હીરાના ભાવોમાં ઘટાડો થવાની સાથે ડિમાન્ડ નથી. હોંગકોંગમાં ઓફિસ ચલાવી ન શકતાં હીરા વેપારીઓ ઓફિસો બંધ કરી રહ્યાં છે.

350 વેપારી પરિવાર સાથે હોંગકોંગમાં વસે છે
સુરતના હીરા વેપારી, મૂળ સુરતના વેપારીઓ અને પાલનપુરના જૈન વેપારીઓ સહિત 350 વેપારી પરિવાર સાથે હોંગકોંગમાં વસવાટ કરે છે. જેમાંથી અમુકના ફ્લેટ અથવા ઘર છે જ્યારે અમુક ભાડે રહે છે. છેલ્લાં 2 ત્રણ વર્ષથી હીરામાં મંદીના કારણે હીરા વેપારીઓ અન્ય વ્યવસાયમાં જવાની તૈયારી કરી રહ્યાં છે તો અમુક વેપારી સુરત અથવા મુંબઈ શિફ્ટ થઈ રહ્યાં છે.

2 લોકોનો મહિને 7 લાખ રૂપિયાનો ખર્ચ
હોંગકોંગમાં 2 વ્યક્તિઓને રહેવા માટે અંદાજીત 7 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. જેમાં 1.5 લાખ ઘરનું ભાડું અને 1.5 લાખ ઓફિસનું ભાડું. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, જમવા સહિતના ખર્ચાઓને કારણે 2 વ્યક્તિઓને રહેવા 7 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. ખર્ચા નિકળે તેટલો માલ વેચાઈ રહ્યો નથી જેથી ખર્ચાને પહોંચી ન વળતા વેપારીઓ ઓફિસો બંધ કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં તૈયાર ડાયમંડના ભાવમાં 30થી 35 ટકા ઘટાડો થયો
છેલ્લાં ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિનું વાતાવરણ છવાયેલુ છે. ખાસ કરીને રશિયા, યુક્રેન યુદ્ધ બાદ હમાસ અને પેલેસ્ટાઈમાં યુદ્ધી સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોમાં ડાયમંડની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. જેની અસર સુરત અને મુંબઈના હીરા માર્કેટમાં પડી રહી છે. હીરા વેપારીઓના મતે રફના ભાવ છેલ્લાં 3 વર્ષમાં વધ્યા છે પરંતુ તેની સામે તૈયાર હીરાના ભાવમાં છેલ્લાં 3 વર્ષમાં 30થી 35 ટકાનો ઘટાડો થયો છે.