ગુજરાત(Gujarat): મોરબી(Morbi)માં પુલ તૂટવા(Morbi Bridge collapsed)ની કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના(Morbi accident)માં અનેક લોકોનાં મોત થયાં છે, ત્યારે આ તમામ મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અનેક મૃતદેહ આવ્યા ત્યારે એની ઓળખ ના થવાને કારણે પરિવારના સભ્યો લેવા આવ્યા નહોતા, ત્યારે મોરબીની એક મુસ્લિમ મહિલાએ એક અનોખી જ માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો વાત કરવામાં આવે તો મુસ્લિમ મહિલા 136 મૃતદેહનો પરિવાર બનીને તમામ બોડીને એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તમામ કાર્યવાહી પૂરી કરાવીને મૃતદેહને પરિવાર સુધી પહોંચાડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હસીનાબેન લાડકા નામની મહિલા કેટલાય સમયથી મોરબીમાં રહીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. માત એટલું જ નહી પરંતુ હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને તેની પાસે પૈસા કે અન્ય સુવિધા ના હોય ત્યારે હસીનાબેન તમામ વ્યવસ્થા એક પણ રૂપિયો લીધા વગર જ પૂરી પાડે છે. રવિવારના રોજ સાંજે પુલ તૂટવાના સમાચાર મળતાં જ હસીનાબેન સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. હસીનાબેન સિવિલ પહોંચીને દર્દી કે મૃતદેહ આવે એ પહેલા જ સ્ટ્રેચર તથા ક્યાં વૉર્ડમાં લઈ જવા તે અંગેની તમામ માહિતી ભેગી કરીને તૈયારી કરી રાખી હતી.
જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવવાની શરૂઆત થતાંની સાથે જ હસીનાબેન તાત્કાલિક જ સ્ટ્રેચર લઈને બહાર આવી ગયાં હતાં અને મૃતદેહને અન્ય લોકોની મદદથી મૂકીને જે-તે વોર્ડ બાજુ લઈ ગયા હતા. મૃતદેહની ઓળખ કરાવવાની સાથે ફોર્મ ભરવા અને પંચનામું કરવાની તમામ વિધિ ખડે પગે ઊભા રહીને જ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક મૃતદેહ આવતા જ રહેતા હતા. હસીનાબેને 136 મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી મોઢા પર આવેલા લોહી તથા શરીર વ્યવસ્થિત રીતે સાફ કર્યા હતા. પરિવાર હોય તો તેમને સાંત્વના આપીને મૃતદેહની થતી કાર્યવાહી પતાવીને તેમને પરત સોંપવા સુધી પરિવારની સાથે ઉભા રહ્યાં હતાં.
માત્ર આટલું જ નહી પરંતુ અનેક પરિવારજન મૃતદેહ ખરાબ થઈ ચૂક્યો હોય તો નજીક પણ નહોતા જતા, ત્યારે હસીનાબેન પોતાના પરિવારના સભ્યની જેમ મૃતદેહને વ્યવસ્થિત રીતે સાફ કરતા હતા. હસીનાબેને 136 મૃતદેહને ઊભા રહીને ખડેપગે સેવા આપી હતી. બીજો દિવસ થયો તેમ છતાં કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર સેવા આપી હતી. તેમની પોતાની એક એમ્બ્યુલન્સ પણ આ સેવાકાર્યમા આપી દીધી હતી, જેને કારણે જેની પાસે સગવડ ના હોય તો તેમને મૃતદેહ ઘર સુધી પહોંચાડવામાં પણ તમામ મદદ કરી હતી.
હસીનાબેને જણાવતા કહ્યું હતું કે, ધર્મ ભલે અલગ હોય, પરંતુ ભગવાન બધા એક જ છે. મે 136 મૃતદેહની વ્યવસ્થા કરી હતી, જેમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ હતા, પરંતુ મેં મારી ફરજ નિભાવી હતી. મારે નમાજ માટે ઘરે જવું હતું, પરંતુ ઘરે ના ગઈ અને હોસ્પિટલમાં જ દુવા કરીને પાછી મારા કામે લાગી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.