સુરતમાં ભાજપના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુશ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. પીયુષ શીવશક્તિવાળા સુરતના સગરામપુરા વિસ્તારના કોર્પોરેટર છે. આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવાનું પણ ભુલી ગયા. વીડિયોમાં ભાજપના કોર્પોરેટર સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે. ત્યારે આ સુરતના સગ્રામપુરાના આ કોર્પોરેટરનો વીડિયો નારગોલનો હોવાનું માનવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, ભાજપ દ્વારા સુરતના કોર્પોરેટર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તો બીજી તરફ સુરત શહેરના મેયર જગદીશ પટેલે કોર્પોરેટર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યુ હતુ.
ગ્રુપની પાર્ટી યોજાઈ હતી
ગઈ 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી નારગોલ ખાતે મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દારૂ પીવા સાથે દારૂના નશામાં ડાન્સ કરતાં વીડિયો વાઈરલ થયા છે. આ પાર્ટીમાં પિયુષભાઈના વેવાઈ સહિતના લોકો હોવાનું મનાઈ રહ્યું છે. 12 જણાના ગ્રુપમાં પુત્ર અને પિતા સાથે કાકા પણ દારૂના નશામાં હોવાનું સુત્રો દ્વારા કહેવાય રહ્યું છે. આ પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કરતાં લોકોની સાથે પિયુષભાઈ જરીવાલા ઉર્ફે શિવશક્તિવાલા પણ હતાં. પિયુષભાઈ સુરતના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર છે અને 3 વાર કોર્પોરેટર બન્યાં છે.
અમે જવાબ માંગ્યો છે: નીતિન ભજીયાવાલા
સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાળાએ જણાવ્યું હતું કે, વાઈરલ થયેલા વીડિયો અંગે મને જાણ થતાં જ મેં પિયુષભાઈને ફોન કરીને સઘળી માહિતી મેળવી હતી. પિયુષભાઈ ખત્રી સમાજમાંથી આવે છે અને આ સમાજમાં પ્રસંગોપાત દારૂ પીવાનો રીવાજ છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા નિયમો કડક બનાવાયા બાદ વર્ષોથી દારૂનું દૂષણ ઓછું થયું છે. પિયુષભાઈ એક જવાબદાર કોર્પોરેટર છે તેમની પાસેથી આવી અપેક્ષા ન હોય. તેથી તેમની પાસેથી જવાબ માંગ્યો તેમાં તેમણે દારૂ ન પીધો હોવાનું કહ્યું હતું. જો કે, આ બાબત શરમજનક હોય તેમની પાસેથી ખુલાસો માંગીને જે સામે આવશે તે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. પિયુષભાઈ જેવા જવાબદાર નેતાએ આ પ્રકારની પાર્ટીમાં પણ સામેલ ન થવું જોઈએ. હાલ તેમની પાસે ખુલાસો માંગતી કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જવાબ નહીં આપે તો યોગ્ય પગલાં લેવામાં આવશે.
મારી પાસે દારૂની પરમીટ છે-પિયુષભાઈ
પિયુશભાઈ જરીવાલા(શિવશક્તિવાલા)એ જણાવ્યું હતું કે, મારી પાસે સાત વર્ષથી દારૂનું પરમીટ છે. હું દવા તરીકે તેનો ઉપયોગ કરૂં છું. પરંતુ તે પાર્ટીમાં અમે ડાન્સ કર્યો હતો. પરંતુ કોઈએ પણ દારૂ પીધો નહોતો. જે બાટલી કે ગ્લાસ દેખાય છે તેમાં શરબત હોવાનો લૂલો બચાવ પણ પિયુષભાઈએ કરતાં કહ્યું હતું કે, શું અમને નાચવાનો પણ હક નથી. આ બાબતે પાર્ટી મારી પાસે જવાબ માંગશે તો હું પાર્ટીમાં જ ખુલાસો આપી દઈશ.
અમે વિરોધ કરીશું-કોંગ્રેસ
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની મહિલા પાંખથી લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવશે. અગાઉ પણ ભાજપ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી ત્યારે આ વખતે જો યોગ્ય કાર્યવાહી આ નગરસેવક વિરૂધ્ધ નહીં કરવામાં આવે તો અમે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.