આ હરડી મંદિરમાં નવરાત્રીમાં થાય છે અનોખો ચમત્કાર! સાતમા નોરતે માતા સિંહ પર સવાર થઈને આપે છે દર્શન

Hardi Temple: હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે જગદંબિકાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે તમને દેશભરમાં પ્રસિદ્ધ અને ચમત્કારિક દેવી મંદિરો વિશે તમને જણાવીશું. ત્યારે આજે વાત કરીશું એક એવા મંદિરની કે જ્યાં મા સાક્ષાત (Hardi Temple) સિંહ પર સવાર થઇને ભક્તોને દર્શન આપવા આવે છે. ક્યાં આવેલુ છે આ મંદિર, કયા છે આ દેવી, આવો જાણીએ વધુ વિગતો આ અહેવાલમાં

પિંડ સ્વરૂપે માતા બિરાજમાન-
આ વાત છે છત્તીસગઢના જાંજગીર ચાંપામાં આવેલા મહામાયા મંદિરની. હરડી મહામાયામાં પહાડમાં દેવી મહામાયા બિરાજે છે. દર વર્ષે સાતમના દિવસે ચૈત્રી નવરાત્રિમાં એક વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જે દરમિયાન માતાજી સાક્ષાત સિંહ પર સવાર થઇને આવે છે. તેના પુરાવા પણ આ મંદિરમાં જોવા મળે છે. મંદિરમાં માતાજીનું પિંડ સ્વરૂપ છે. જ્યાં ચાળણીથી લોટ પાથરી દેવામાં આવે છે. એક વાસણમાં વિવિધ ભોગ ધરાવવામાં આવે છે. કેટલા પ્રકારના ભોગ ધરાવાય છે તેની ગણતરી પણ કરવામાં આવે છે. બસ આટલુ કર્યાના એક કલાક માટે દર્શન બંધ થઇ જાય છે અને પછી માતાજી સિંહ પર સવાર થઇને આવે છે.

સિંહના દેખાય છે પંજા
સપ્તમીના દિવસે મંદિરના દરેક રૂમ અને તમામ જગ્યા કપડાથી ઢાંકી દેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભોગ ધરાવીને તથા લોટ પાથરીને અંધારુ કરી દેવામાં આવે છે. ભક્તોને એક કલાક રાત્રે 12 થી 1 વાગે વિશેષ પૂજા દરમિયાન એન્ટ્રી મળતી નથી. બસ એક કલાક પછી જુઓ તો લોટમાં રીતસર સિંહના પંજાના નિશાન જોવા મળે છે. મંદિરના દરવાજા ખોલ્યા બાદ વાસણમાં મુકેલા ભોગમાંથી એક વસ્તુ ઓછી જ જોવા મળે છે. એક વસ્તુ ગાયબ થઇ જાય છે. એવી માન્યતા છે કે સપ્તમીની રાત્રે મા મહામાયા દેવી સિંહ પર સાક્ષાત સવાર થઇને આવે છે.

આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે
શ્રી મહામાયા દેવી સાર્વજનિક ટ્રસ્ટ હરડીના પ્રમુખ સુધરમ યાદવે જણાવ્યું હતું કે મંદિરમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. દર વખતે જ્યારે દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ભક્તો સિંહના પગના નિશાન જોઈ શકે છે. મંદિરમાં માતા મહામાયા પિંડીના રૂપમાં બિરાજમાન છે. રતનપુરની મહામાયા દેવી પછી હરડીની મહામાયા દેવી બીજી શક્તિપીઠ ગણાય છે. જિલ્લાના પ્રસિદ્ધ દેવી મંદિરોમાં હરડીની મહામાયા દેવીનું ઘણું મહત્વ છે. નવરાત્રિ દરમિયાન અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે.

ભક્તો પ્રગટાવે છે દીપ જ્યોત
આ મંદિરમાં માત્ર જિલ્લાના જ નહીં પરંતુ દેશ-વિદેશના ભક્તો પોતાની ઈચ્છાનો જ્યોતિ કલશ પ્રગટાવે છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અમેરિકા, આફ્રિકા અને હોંગકોંગમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દર વર્ષે ચૈત્ર અને શારદીય નવરાત્રિ દરમિયાન જ્યોત પ્રગટાવે છે. દર વખતે નવરાત્રિ દરમિયાન અહીં 3000 થી 4000 જેટલી દીપજ્યોત પ્રગટાવવામાં આવે છે.

મોટી સંખ્યામાં ભક્તો આવે છે મંદિરમાં
આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. અહીં લીમડાના ઝાડ નીચે મહામાયા દેવી મા સ્થાપિત છે. અહીં સાંજે મહા આરતી કરવામાં આવે છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. આજે નવરાત્રિ દરમિયાન સપ્તમીની રાત્રે મોટી સંખ્યામાં ભક્તો સિંહના પંજાના દર્શન માટે ઉમટી પડશે.