સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી અસામાજિક તત્વો ખુલ્લેઆમ મારામારી કરતા હોવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વરાછા પોલીસ દ્વારા ત્રણ દિવસ પહેલા પ્રોહીબીશનના કેસમાં પકડેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર મારવામાં આવ્યો કે, તેના માથાની નશ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની અરજી પોલીસ કમિશનરને ભોગબનનારના પરિવાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ ડી-સ્ટાફે માર મારતા વોચમેનની હાલત હાલ કટોકટ હોય આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સોંપી ન્યાયની માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાપોદ્વા પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા એક વેપારીના પુત્રને માર મારવામાં આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે વરાછા પોલીસના મારને પગલે વોચમેન હોસ્પિટલના બિછાને ગંભીર હાલતમાં છે.
જાણવા મળ્યું છે કે, નવાગામ-ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી છે. આ અરજીમાં તેણે જણાવ્યું છે કે, તેના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. ગઇ 1 સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસ દ્વારા શિવસિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તે વરાછા પોલીસ મથકે તેનો મોબાઇલ અને ૫ હજાર રોકડા જે પોલીસ પાસે હોય તે લેવા માટે ગયા બાદ પરત ફેક્ટરી ઉપર પહોંચતા તેની તબિયત લથડતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તબીબોની સલાહ અનુસાર વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જતા ત્યાં તેને માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ શિવસિંગની તબિયત લથડતા આ બાબતે પરિવારજનોને શંકા થઇ હતી.
પોલીસ મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોવાથી આ મામલે તપાસ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વરાછા ડી-સ્ટાફ દ્વારા શિવસિંગને માર મારવામાં આવ્યો છે. આ અંગેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે કરાવી ન્યાયની માંગણી કરવામાં આવી છે. પોલીસ મથકમાં એવી તો કંઇ ઘટના બની કે શિવસિંગની માથાની નશ ફાટી ગઇ. આ ઉપરાંત, અરજદારે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ડીસ્ટાફની ઓફીસમાં આ બનાવ બન્યો છે. આ દરમિયાન જો પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતોનો ખુલાસો થઇ શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.