ગુજરાત કેમિસ્ટ એસો.નો મોટો નિર્ણય: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વેપારીઓને દવાઓનો સ્ટોક રાખવા સુચના

India-Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમિસ્ટ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત (India-Pakistan War) કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે દવાઓનો સ્ટોક વધારવા માટે સૂચનાઓ આપી છે. છૂટક વેપારીઓને 20 થી 30 દિવસનો સ્ટોક રાખવા કહેવામાં આવ્યું છે. જ્યારે જથ્થાબંધ વેપારીઓને બે મહિનાનો વધારાનો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે.

કેમિસ્ટ એસોસિયને લીધો આ નિર્ણય
આ સંદર્ભે, રાજ્યના તમામ દવા વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દવાના વ્યવસાયમાં ત્રિ-સ્તરીય વ્યવસ્થા છે. જેમાં દવા ઉત્પાદક પાસેથી ડેપોમાં આવે છે. ડેપોમાંથી તે ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે છે અને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તે રિટેલર સુધી પહોંચે છે. આમાં, ત્રણ મહિનાનો સ્ટોક ડેપોમાં હોય છે, દોઢ મહિનાનો સ્ટોક ડિસ્ટ્રીબ્યુટર પાસે હોય છે અને 15 દિવસનો સ્ટોક રિટેલર પાસે હોય છે.

પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ડેપોને ચારથી છ મહિનાનો સ્ટોક રાખવા, ડિસ્ટ્રીબ્યુટરને 2 મહિનાનો સ્ટોક રાખવા અને રિટેલરને 20 થી 30 દિવસનો સ્ટોક રાખવા કહેવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એવું નક્કી કરવામાં આવ્યું છે કે દવાઓની જરૂરિયાત વધી શકે છે. ખાસ કરીને એન્ટિબાયોટિક્સની સૌથી વધુ જરૂર છે.

ગુજરાતથી વિશ્વના 93 દેશોમાં દવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે તે મહત્વપૂર્ણ છે. જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ મુદ્દો વિતરણનો છે અને વિતરણમાં કોઈ અછત ન રહે તે માટે તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.