ફેક ન્યુઝ ફેલાવવામાં ભારત નંબર 1, 2014 બાદ સતત છે દુનિયામાં પ્રથમ ક્રમે

વિશ્વની સરખામણીમાં ભારતમાં સૌથી વધારે ફેક-ન્યુઝનો મારો છે. ૨૨ દેશોમાં માઈક્રોસોફ્ટે કરેલા એક સરવેમાં ખબર પડી છે કે ભારતમાં ૬૪ પ્રતિશત લોકો ફેક-ન્યુઝના શિકાર બન્યા છે. બાકીના વિશ્વમાં એની સંખ્યા ૫૭ પ્રતિશત છે. ઈન્ટરનેટ પર અફવાઓ ફેલાવામાં પણ ભારત ૫૪ પ્રતિશત સાથે વિશ્વથી આગળ છે. વિશ્વમાં એનું એવરેજ ૫૦ પ્રતિશત છે.

સર્વે કહે છે કે, ભારતમાં અફવા ફેલાવામાં પરિવારજનો અને મિત્રો (૨૯ પ્રતિશત)ની સંખ્યામાં ૯ પ્રતિશતનો વધારો થયો છે. ઓનલાઈન જોખમથી પીડિત ભારતીયોની સંખ્યા પણ ૫૨ (બાવન) પ્રતિશત છે. વિશ્વમાં એ ૨૮ પ્રતિશત છે. અફવાઓના કારણે ગયા વર્ષે ૩૧ લોકોને મારી નાખવામાં આવ્યા હતા.

ઈન્ટનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો બીજો એક સરવે કહે છે કે ભારતમાં ૨૦ વર્ષથી નીચેના અને ૫૦થી ઉપરના લોકો ફેક-ન્યુઝના શિકાર વધુ બને છે.

ગયા વર્ષે બીબીસી રીસર્ચના એક સંશોધનમાં કહેવાયું હતું કે, ભારતમાં રાષ્ટ્રીય ઓળખ ઉભી કરવાની ભાવનાત્મક જરૂરીયાતના કારણે લોકો, તથ્યોની ચિંતા કર્યા વગર, નકલી સમાચારોને ફેલાવે છે. બીબીસીએ કેન્યા અને નાઇજીરીયામાં પણ આ સરવે કર્યો હતો, અને ત્યાં પણ રાષ્ટ્રીય ઓળખ ઉભી કરવામાં વ્યસ્ત લોકો ફેક-ન્યુઝનો મારો ચલાવે છે, એવું જાણવા મળ્યું હતું.

સાદી ભાષામાં કહેવું હોય તો, વાંદરાના હાથમાં દારૂ આવી જાય, તેવી હાલત ભારતના લોકોની છે. ઈન્ટરનેટ-શિસ્ત કે ઓનલાઈન-શિષ્ટાચાર શું કહેવાય, તે મોટાભાગના કથિત ‘સુધરેલા’ ભારતીયોને ખબર નથી, અને એમના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ભારતમાં અત્યારે ૩૭.૩ કરોડ સ્માર્ટફોન વપરાશમાં છે. ૨૦૨૨માં એ સંખ્યા ૪૪.૨ કરોડ થવાનો અંદાજ છે.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.