VIDEO: ભારતના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ; જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ

Chess World Championship: ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. 18 વર્ષનો ગુકેશ ચેસનો નવો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. તેણે ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગત ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવીને પોતાની બાદશાહત (Chess World Championship) સાબિત કરી હતી. ભારતીય ગ્રાન્ડમાસ્ટરે ચીનના ડિંગ લિરેનને 14મી બાજીમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગુકેશે આ જીત કાળા મોહરાઓથી રમતા નોંધાવી હતી.

વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો માત્ર બીજો ખેલાડી
ડોમ્મારાજુ ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તે ચેસની દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. ડી ગુકેશે આ જીત સાથે જ વિશ્વનાથન આનંદની એલિટ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો માત્ર બીજો ખેલાડી છે. વિશ્વનાથન આનંદ આ સિદ્ધિ મેળવનાર પહેલા ભારતીય ખેલાડી છે.

ઓછી ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ પોતાના ચીની સ્પર્ધક ડિંગ લિરેન સાથે 13 બાજીઓ પછી 6.5-6.5ની બરાબરી પર હતો. 14મી બાજીમાં ડિંગ લિરેન સફેદ મોહરાથી રમી રહ્યો હતો. એવામાં તેનું પલડું ભારે માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ડી ગુકેશે તમામ અનુમાનોને ખોટા સાબિત કરી બાજી મારી લીધી હતી. તેણે સૌથી ઓછી ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે.

ટુર્નામેન્ટ જીતીને ચેસ જગતમાં તોફાન મચાવ્યું
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચમાં ગુકેશની સફર ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે તેણે ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટ જીતીને કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી હતી. કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં ફેબિયાનો કારુઆના અને હિકારુ નાકામુરાની અમેરિકન જોડી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ ગુકેશે બધાને હરાવીને કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતીને ચેસ જગતમાં તોફાન મચાવ્યું હતું અને આર પ્રજ્ઞાનંદાનો પણ તેમાં સમાવેશ થયો હતો.