જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો રસપ્રદ ઇતિહાસ, ગોપાલાનંદ સ્વામી સાથે જોડાયેલી છે રસપ્રદ કહાની

Published on: 3:01 pm, Sat, 14 May 22

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ પણ છે જે આરસના પથ્થરથી જડેલો છે. જે રૂમમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે તેનો દરવાજો ચાંદીનો બનેલો છે. સાળંગપુર હનુમાનજીના મંદિરનું સમગ્ર ભારતમાં ઘણું મહત્વ છે. અહીંયા લોકો પોતાના દુઃખ લઇને આવે છે. એટલા માટે જ અહીંયા ભગવાન હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવાય છે. મિત્રો આજના લેખમાં આપણે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજીના આ ખૂબ જ પ્રસિદ્ધ ધામ વિશે જાણીશું.

જણાવી દઈએ કે, આ ચમત્કારિક મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે. એકવાર જયારે ગોપાલાનંદ સ્વામી બોટાદ આવ્યા ત્યારે તેના દર્શન કરવા માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ આવ્યા હતા.

ત્યારે સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું કે, બધું બરાબર તો છે ને? ત્યારે વાઘા ખાચરે જવાબ આપતા જણાવ્યું કે, ચાર ચાર વર્ષથી સતત દુષ્કાળ પડવાના કારણે હાલની આર્થિક પરિસ્થિતિ સારી નથી રહી. આ દુષ્કાળ વિશે સાંભળીને સ્વામીજીનું હૃદય પીગળી જાય છે અને વાઘા ખાચરને કહ્યું કે, તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે.

હું સાળંગપૂરમાં હનુમાનજીની એક એવી મૂર્તિ સ્થાપિત કરીશ જે તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરશે જેથી તમારા તમામ કષ્ટો હંમેશ માટે દૂર થઈ જશે તેમ જ તેમના દર્શન કરનાર દરેક ભક્તના કષ્ટ પણ દૂર થઈ જશે. પછી સ્વામીજીએ પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું.

પછી વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે, એક ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે સ્વામીજીએ જણાવ્યું કે, અહીં આવનારાઓના દુઃખ દૂર કરીને જગતના તમામ ભક્તોને ખુશ રાખો. આ ઉપરાંત, હનુમાનજીએ સ્ત્રીરૂપમાં શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં બિરાજમાન થયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.