અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ: SRH અને PBKS મેચમાં રેકોર્ડ્સની વણઝાર, જાણો વિગતવાર

IPL 2025 SRH vs PBKS: ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ IPLમાં ઈતિહાસ રચ્યો છે. અભિષેક શર્માએ એક એવું ઐતિહાસિક કારનામું કર્યું છે જે આજ સુધી કોઈ ભારતીય (IPL 2025 SRH vs PBKS) બેટ્સમેન કરી શક્યો નથી. શનિવારે રાત્રે પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે માત્ર 18.3 ઓવરમાં 246 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદએ આ મેચ 9 બોલ બાકી રહેતા 8 વિકેટે જીતી લીધી હતી.

અભિષેક શર્માએ રચી દીધો ઈતિહાસ
અભિષેક શર્માએ આ દરમિયાન માત્ર 55 બોલમાં 141 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 10 સિક્સર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 256.36 હતો. આ ઈનિંગ દરમિયાન અભિષેક શર્માએ IPL ઈતિહાસમાં ઘણા મોટા રેકોર્ડ તોડ્યા હતા.

અભિષેક શર્માના 141 રન IPLના ઈતિહાસમાં કોઈપણ ભારતીય બેટ્સમેનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. અભિષેક શર્માનો આ સ્કોર IPLમાં બનેલા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરોની યાદીમાં ત્રીજા નંબરે આવે છે.

IPLમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોર
IPLમાં સૌથી મોટા વ્યક્તિગત ઈનિંગ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના શાનદાર બેટ્સમેન ક્રિસ ગેલના નામે નોંધાયેલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ક્રિસ ગેલે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે 175 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ યાદીમાં બીજું નામ બ્રેન્ડન મેક્કુલમનું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે મેક્કુલમે IPL 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 158 રનની અણનમ ઇનિંગ રમી હતી.

અભિષેક શર્માએ માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે કોઈ ભારતીય બેટ્સમેનની ત્રીજી સૌથી ફાસ્ટ IPL સદી છે. અભિષેક શર્માથી આગળ યુસુફ પઠાણ અને પ્રિયાંશ આર્ય (39 બોલમાં આઈપીએલ સદી)નું નામ આવે છે. અભિષેક શર્માએ પણ સદી ફટકાર્યા બાદ પોતાના અનોખા સેલિબ્રેશનથી SRH ચાહકોના દિલ જીતી લીધા હતા. સદી પૂરી કર્યા બાદ અભિષેક શર્માએ પોતાના ખિસ્સામાંથી એક નોટ કાઢી જેના પર લખ્યું હતું, ‘આ ઓરેન્જ આર્મી માટે છે.’