નાનો પણ રાઈનો દાણો: 14 વર્ષના વૈભવે એક જ મેચમાં તોડ્યા 5 રેકોર્ડ, 35 બોલમાં સેન્ચુરી; ક્રિકેટ જગતમાં મોટી ચર્ચા

Vaibhav IPL Century: આઈપીએલ 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ (Vaibhav IPL Century) 35 બોલમાં 7 ફોર અને 11 સિક્સર સાથે સદી ફટકારી હતી. આ સાથે જ તે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. આ સિવાય તે આઈપીએલમાં સદી ફકારનાર સૌથી યુવા પ્લેયર બન્યો છે.

આઈપીએલમાં સૌથી ઝડપી સદી ક્રિસ ગેઇલના નામે
આઈપીએલમાં સૌથી ઝડપી સદી ક્રિસ ગેઇલના નામે છે. ગેઈલે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી. યુસુફ પઠાણે 2010માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને પઠાણને પાછળ છોડી દીધો હતો.

આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેન
30 બોલ – ક્રિસ ગેઇલ આરસીબી વિ પૂણે વોરિયર્સ, 2013
35 બોલ – વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન વિ ગુજરાત, 2025
37 બોલ – યુસુફ પઠાણ, રાજસ્થાન વિ મુંબઈ, 2010
38 બોલ – ડેવિડ મિલર, પંજાબ વિ. આરસીબી, 2013

વૈભવ સૂર્યવંશી ટી20માં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો
વૈભવ સૂર્યવંશી ટી20માં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેણે 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા વિજય ઝોલ 18 વર્ષ અને 118 દિવસની ઉંમરે ટી20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન હતો. વિજય ઝોલએ આ સિદ્ધિ 2013માં મહારાષ્ટ્ર વિરુદ્ધ મુંબઈ વચ્ચેની મેચમાં મેળવી હતી.

27 માર્ચ 2011ના રોજ બિહારમાં જન્મેલા વૈભવે જાન્યુઆરી 2024માં બિહાર માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તે માત્ર 12 વર્ષ અને 284 દિવસનો હતો. 2024-25માં વિજય હજારે ટ્રોફીમાં બરોડા સામે પોતાની શરૂઆતની મેચમાં વૈભવે 42 બોલમાં 71 રન બનાવ્યા અને લિસ્ટ-એમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વૈભવના નામે સૌથી ઝડપી યુવા ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. તેણે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે 58 બોલમાં સદી ફટકારી હતી. તેણે બે મહત્વપૂર્ણ અડધી સદી ફટકારીને ભારતને ACC અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.