15 માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કેનાલમાં સિંચાઈનું પાણી કરાશે બંધ, કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે

Narmada Canal Water News: સૌરાષ્ટ્ર – કચ્છમાં નર્મદાનું પાણી પુરૂ પાડતી કેનાલોમાં તા 15 માર્ચથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર – કચ્છને પાણી (Narmada Canal Water News) પુરૂ પાડતા ધોળીધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરાયો છે. પરંતુ સિંચાઇ માટે કેનાલમાંથી પાણી ઊપાડી શકાશે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના 300 ગામો ઉપરાંત બોટાદ, મોરબી, ભાવનગર રાજકોટ સહિત પાંચ જિલ્લામાં ધરતીપુત્રો પર પડ્યા પર પાટુ જેવા હાલ થશે. આથી કેનાલના ભરોસે ઉનાળુ કે અન્ય વાવેતર ન કરવા તાકીદ નર્મદા નિગમે કરી છે .

ઝાલાવાડ એ વર્તમાન સમયે સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારૂ કહેવામાં આવે છે. રાજયમાં નર્મદાના નીરનો સૌથી સારો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે.અને આથી જ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં પણ વધારો થયો છે. ત્યારે રાજય સરકારે જિલ્લાની કુલ 5 કેનાલમાં જે સિંચાઇ માટે પાણી આપવામાં આવતું હતું.

ધોળીધજા ડેમમાં પીવાનું પાણી અનામત
સુરેન્દ્રનગર સહિત 5 જિલ્લાઓને પીવાનું પાણી ધોળીધજા ડેમમાંથી વિતરણ થાય છે. પીવાના પાણી માટે કોઇ તકલીફ ના પડે તે માટે ધોળીધજા ડેમને છલોછલ કરાયો હતો. આથી પીવાના પાણીની કોઇ મુશ્કેલી સર્જાય તેમ નથી.

પમ્પિંગ સ્ટેશનો, કેનાલોનું રિપેરીંગ થશે
ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી બંધ કરાતા પાણી 2 દિવસમાં 0 લેવલે થઇ જશે. આથી ઢાંકીથી ધોળીધજા સુધીના 5 પમ્પિંગ સ્ટેશન રીપેરીંગ કરાશે. 5 મુખ્ય કેનાલની સફાઇ કરાશે. પેટાકેનાલોની સફાઇ કરાય તેવી માગ છે.