980 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સુદર્શન સેતુ’ને હજુ તો 6 મહિના નથી થયાં, ત્યાં તો ગાબડાં પડી ગયા…

Sudarshan Setu Dwarka: દેશના પશ્ચિમ સિમાડા સાથે જોડાયેલા દેવભુમિદ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ એવા ઓખા અને બેટદ્વારકા(Sudarshan Setu Dwarka) વચ્ચે સમુદ્રમાં રૂ. 950 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુમાં અનેક સ્થળે ગાબડા પડી ગયા હોવાની વિગતો સાથેના ફોટા વીડિયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતાં.

પુલમાં ભ્રસ્ટાચારના ગાબડાં
અમુક જગ્યાએ તિરાડો પણ દેખાઈ છે. બ્રીજનું નિર્માણ એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કંપની મોટા પુલ બનાવવા માટે જાણીતી છે. પરંતુ તેના અમુક પ્રોજેક્ટ પર સવાલો ઉઠયા છે. સુદર્શન સેતુના નિર્માણ દરમ્યાન જ આ કંપનીએ બિહારમાં ગંગા નદી પર બનાવેલો એક પુલ ધરાશાયી થયો હતો. આ ઘટના પછી પ્રોજેક્ટ તેમની પાસેથી પરત લઇ લેવા સુધીની અટકળો વહેતી થઇ હતી. આ અંગે તપાસની તજવીજ થઇ રહ્યાનું જાણવા મળે છે.

950 કરોડનાં ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં પોલંપોલ
દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદને લીધે અનેક રસ્તાઓ ધોવાયા છે. ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી પુરવઠા બોર્ડના કામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પરીવહન સેવાઓને પણ વ્યાપક અસર થઈ છે. તેવા સંજોગોમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડા પડયા હતાં.

બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા હતા તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલીંગને પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં પોલંપોલ ચાલતી રહી હોવાનું ખુલ્લું પડી ગયું હતું.

બ્રિજના નબળા બાંધકામનાં ફોટા વાયરલ થતાં સરકારી તંત્રમાં દોડધામ
અલબત ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તેથી ભ્રષ્ટાચારની વિગતો ચર્ચાસ્પદ બને તે પહેલાં તાત્કાલિક પ્રોટેકશન વોલનું કામ કરી નાખવામાં આવ્યુ હતુ. પરંતુ મેઘરાજાએ સુદર્શન બ્રિજનાં બાંધકામની પોલંપોલને આજે ઉઘાડી પાડી દેતા સુદર્શન સેતુનાં નબળા બાંધકામનો મુદ્દો સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો.