બીમાર બાળકોને ઝટપટ સાજા કરવા ગુજરાતના આ મંદિરમાં ચડાવો માનતા- માત્ર મીઠું અને રીંગણ ચડાવવાથી તમામ મનોકામના થશે પૂર્ણ

Soneshwar Mahadev Mandir: દરેક ગામનો કંઇક ઈતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે જેનું નામ મહાદેવ પરથી પડ્યું છે. મહાદેવિયા ગામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો જ છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચિન મહાદેવ મંદિરના(Soneshwar Mahadev Mandir) કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું.

મંદિરના ઇતિહાસનો પીપળના પાન સાથે સંબંધ
સદીયો પહેલા સાધુ સંતો ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવે છે કે, બનાસ નદીના તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિઝવવા માટે શિવાલયની પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે. સોનેશ્વર મહાદેવની જમીન તપોભૂમિ હોવાના કારણે અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હવન કરાવે છે. અને ભાવિકો નિયમિત ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે છે.

શિવાલયમાં મીઠુ, રીંગણ ચઢાવવામાં આવે છે
ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પૂજા કરતાં પૂજારીએ આ પૌરાણિક મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે. અહી શિવાલયમાં મીઠું તેમજ રીંગણ ચઢાવવામાં આવે છે.ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. બનાસ નદીના તટ પર બિરાજતા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે અને મેળામાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડે છે.

ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે
અહી શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. મંદિરે દર વર્ષે યોજાતા શિવરાત્રીનાં મેળામાં દૂર-દૂરથી લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે.આ સાથે જ સોનેશ્વર મહાદેવના મંદિરે ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે. મહાદેવનુ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખેડૂતોને ખૂબ શ્રદ્ધા રહેલી છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા પહેલા અચૂક મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે.

700 વર્ષથી બિરાજમાન સોનેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર
પોતાના ખેતરોમાં શાકભાજી કઠોળ સહિત કોઈ પણ પ્રકારનો પાક તૈયાર થાય તો સૌથી પહેલા પ્રસાદ રૂપે ભગવાન ભોળાનાથ ના ચરણોમાં ધરાવવામાં આવે છે અને તે બાદ ખેડૂતો પોતાનો પાક બજારમાં વહેંચવા માટે જાય છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ચાલી આવતી પરંપરાને આજની પેઢીએ પણ જાળવી રાખી છે. ખેડૂતોનું માનવું છે કે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે પહેલો પાક ચડાવવામાં આવે છે જેના કારણે પોતાના ખેતરમાં સારો પાક તૈયાર થાય છે અને બજારમાં પાકની આવક પણ સારી થાય છે. ડીસામાં બનાસ નદીના રમણીય તટ પર 700 વર્ષથી બિરાજમાન સોનેશ્વર મહાદેવ મંદિર, સોનેરી ઇતિહાસ સાથે ભાવિક ભકતોની આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે