જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર: શ્રીનગર હાઇવે બંધ, વાદળ ફાટવાથી અનેક સ્થળોએ ભૂસ્ખલન, 3ના મોત

Jammu-Kashmir Landslide: જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે રામબનમાં વાદળ ફાટવાથી બે ભાઈ સહીત અન્ય એક વ્યક્તિનું મોતથયું છે. રામબન જિલ્લાના (Jammu-Kashmir Landslide) બનિહાલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. તેમજ સેંકડો વાહનો ફસાયેલા છે.

ગઈકાલે કાશ્મીરની ખીણના કેટલાક ભાગોમાં ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં તોફાની પવનો સાથે કરા પડવાથી સફરજનના બગીચાઓમાં ભારે વિનાશ સર્જાયો હતો. દરમિયાન, ઉનાળાની શરૂઆતમાં થયેલી હિમવર્ષાને કારણે ખીણમાં ઠંડીનું મોંજુ ફરી વળ્યું હતું.

ઠંડીની સ્થિતિ વચ્ચે, શોપિયાના ગણોપોરા, માનલૂ, મુજપથરી, વાથો, શિરમલ અને પોટેરવાલ ગામોના બગીચાના માલિકોએ કરાના તોફાનથી સફરજનના ફૂલો પર અસર થવા અંગે દુઃખ વ્યક્ત કર્યું. “કરાથી સફરજનના ઝાડને નુકસાન થયું અને તેમને ઠંડીનો સામનો કરવો પડ્યો. આ ચિંતાજનક પરિસ્થિતિ છે. તેનાથી સફરજન ઉદ્યોગને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.”

કુદરતના કહેરના વિડીયો આવ્યા સામે
ભૂસ્ખલનના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પર્વત પરથી કાટમાળ પડતો જોઈ શકાય છે. કેટલાક વિસ્તારોમાં, પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે. એક વીડિયોમાં, ત્રણ-ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાયેલા જોવા મળે છે. આ ઉપરાંત, હોટલ અને ઘરો પણ કાટમાળથી પ્રભાવિત થયા હોય તેવું લાગે છે.

આજે રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે પશ્ચિમ હિમાલય ક્ષેત્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આજે કાશ્મીરનાં કુપવાડા, મુઝફ્ફરાબાદ, બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, કિશ્તવાર, રામબન અને બડગાઉન સહિત અન્ય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.