જસદણ જશે તો કોંગ્રેસ આવશે, જાણો હકીકત…

Published on: 6:00 am, Mon, 17 December 18

આવનારી જસદણ વિધાનસભાની ચૂંટણી ગણતરીના કલાકોમાં થકા જય રહી છે તે પહેલા અનેક અટકળો થઇ રહી છે, રાજકીય વિશ્લેષકો દ્વારા આ ચૂંટણી કોણ જીતશે, કોણ હારશે કે પછી જે પક્ષ જીતશે તે પછીના રાજકીય સમીકરણોના વિશ્લેષણો સામે આવી રહ્યા છે.

2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં સારો દેખાવ કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે પરેશ ધાનાણીને કોંગ્રેસના હાઇકમાન્ડે વિધાનસભાના વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું. એટલું જ નહીં ચૂંટણી પછી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી હતી. હવે જો જસદણની બેઠક કોંગ્રેસ હારી જશે તો આ બંને નેતાઓ રાહુલ ગાંધીની ગુડબુકમાંથી બાકાત થઈ જશે. એટલું જ નહીં બંનેની નેતાગીરી સામે પણ સવાલો ઉભા કરવામાં આવશે.

ભાજપ જો આ બેઠક પરથી હારી જશે તો કુંવરજીભાઈને સીધા જ કેબિનેટ મંત્રી બનાવી દેવા અંગે કાર્યકરોમાં છૂપો રોષ જાહેરમાં આવશે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા જ કેબિનેટ મંત્રી બની ગયા હતા. આ ઘટનાથી ભાજપના અનેક પાયાના કાર્યકરો નારાજ હતા. કુંવરજીભાઈ ચૂંટણી હારશે તો આવા નારાજ કાર્યકરો અને નેતાઓ ખુલ્લીને પક્ષ સામે આવશે.

જો આ ચૂંટણી ભાજપ હારશે તો અમિત ચાવડાએ આપેલા નિવેદન સાચા ઠરે તો ભાજપના 20 જેટલા અસંતુષ્ટ ધારાસભ્યો કોંગ્રેસના ખેસ પહેરવા તૈયાર છે- જો એવું થાય તો રૂપાણી સરકારે રાતોરાત રાજીનામુ આપીને કોંગ્રેસને સત્તાની કમાન સોંપવી પડી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપના જ અસંતુષ્ટ કાર્યકર્તા નેતાઓ બાવળીયા હારે તે રીતે પ્રચાર કરી રહ્યા છે અને બાવળિયાને જે રીતે રાતોરાત મંત્રી પદ આપી દીધું તેમ રાતોરાત ઘરે બેસાડવાની ફિરાક માં પ્રચાર કરી રહ્યા છે.

નોંધનીય વાત એ છે કે સ્થાનિક માહોલ જોતા ભાજપના નેતાઓ એ હવે આ પંથકમાં પ્રચાર કરવાનું માંડી વાળ્યું છે. કુંવરજી એકલા પ્રચાર કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. કુંવરજી બાવળિયાએ જ્યારે ઉમેદવારી પાત્ર ભર્યું ત્યારે જે રીતે કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સરકારનું અડધું કેબિનેટ મંત્રી મંડળ જોડાયું હતું અને શક્તિ પ્રદર્શન કર્યું હતું પરંતુ અવચર નકિયાના ઉમેદવારી પત્ર ભરવાની વિશાળ રેલી જોઈને ભાજપના કાર્યકર્તાઓમાંથી કોંગ્રેસમાંથી આવેલા બાવળીયા માટે પ્રચાર કરવામાં પણ સંકોચ અનુભવી રહ્યા છે. જેથી કોંગ્રેસ માટે આ બેઠક સરળ પડશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.